ગાંધીનગર – ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટના ચીફ એટલે કે અધિક મુખ્યસચિવ સંગીતાસિંઘ ઓક્ટોબરની 31મી તારીખે વયનિવૃત્ત થવાના છે ત્યારે તેમની ખાલી પડેલી આ જગ્યાએ તુંરત જ નિયુક્તિ કરવી પડે તેમ હોવાથી સોમવારે આ વિભાગનો ચાર્જ સિનિયર આઇએએસ અધિકારીને આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સૂત્રો કહે છે કે હોમ ચીફ તરીકે બે નામો સામે આવ્યા હતા જેની સચિવાલય અને સ્વર્ણિમ સંકુલમાં ચર્ચા પણ ચાલી છે. જો કે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને વિધાનસભાની પેટાચૂંટણીમાં વ્યસ્ત બનેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી ગૃહ વિભાગના વડાની કાયમી નિયુક્તિ કરવાના મતના નથી. દિવાળી દરમ્યાન તેઓ રાજ્યના વહીવટી તંત્રમાં જે મોટા ફેરબદલ આવી રહ્યાં છે તેમાં આ પોસ્ટ પર કાયમી નિયુક્તિ કરે તેવી સંભાવના છે.
હોમ વિભાગના વડા સંગીતાસિંઘનું નામ અગાઉ રાજ્યના ચીફ સેક્રેટરી પદ માટે ચર્ચાતું હતું પરંતુ કેન્દ્ર સરકારે પ્રતિનિયુક્તિ પર દિલ્હી ગયેલા અનિલ મુકિમની નિયુક્તિ કરતાં સંગીતાસિંઘ આ પદ પર આવી શક્યા ન હતા. એટલું જ નહીં તેમની સાથે મહેસૂલ વિભાગના વડા પંકજકુમાર અને વન-પર્યાવરણ વિભાગના વડા રાજીવકુમાર ગુપ્તાના નામો પણ ચાલતા હતા.
અનિલ મુકિમ ગયા ઓગષ્ટ મહિનામાં વયનિવૃત્ત થવાના હતા પરંતુ કેન્દ્ર સરકારે તેમને છ મહિનાનું એક્સટેન્શન આપતાં આ ત્રણેય ઓફિસરોના ચીફ સેક્રેટરી બનવાના ચાન્ચ ઓછા થઇ ગયા હતા. હવે અનિલ મુકિમનું એક્સટેન્શન ફેબ્રુઆરી 2021માં પૂર્ણ થાય છે તેથી આગામી માર્ચ 2021માં ગુજરાતને નવા ચીફ સેક્રેટરી મળશે. આ પદ પર હજી પણ પંકજકુમાર અને રાજીવકુમાર ગુપ્તા દાવેદાર છે.
સચિવાલયમાં એવી પરંપરા છે કે રાજ્યના નાણાં વિભાગના અધિક મુખ્યસચિવ કે ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ જે હોય તે રાજ્યના ચીફ સેક્રેટરી બને છે પરંતુ આ બન્ને ઓફિસરો પૈકી એકપણ ઓફિસર અત્યારે નાણાં કે ગૃહ વિભાગમાં નિયુક્ત થયેલા નથી. હવે સંગીતાસિંઘ 31મી ઓક્ટોબરે વયનિવૃત્ત થાય છે ત્યારે સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોમ વિભાગનો વધારાનો હવાલો મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમારને સોંપવામાં આવશે.
આ પદ પર પણ વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તા ઉત્સુક છે, કારણ કે આ પદ મળે તો ચીફ સેક્રેટરીના ચાન્સ વધી શકે છે. તેઓ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. રાજ્યના મુખ્યમંત્રી પણ વ્યસ્ત હોવાથી ગૃહ વિભાગના સુપ્રીમ પદ પર તેઓ સંભવત: સોમવારે વધારાના હવાલાની ફાળવણી કરશે. એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે હોમ વિભાગના અધિક મુખ્યસચિવ પદે પંકજકુમારનું કાયમી પોસ્ટીંગ થઇ શકે છે, પરંતુ તે દિવાળીની આસપાસના સમયમાં જ્યારે સામૂહિક ફેરબદલ થશે ત્યારે સંભવ છે. હાલ તેમને વધારાનો હવાલો મળી શકે છે.