ગુજરાત સરકાર લોકો પાસેથી બે પ્રકારના કર ઉઘરાવે છે જેમાં એક કેન્દ્રીય કરવેરાનો હિસ્સો છે અને બીજો રાજ્યના પોતાના કરવેરા છે. કેન્દ્રીય કરવેરાની આવક પહેલીવાર એક લાખ કરોડને ક્રોસ થઇને 1.05 લાખ કરોડ થવાની ધારણા નાણાં વિભાગે રાખી છે. ગુજરાતમાં ઇન્કમટેક્સ, જીએસટી અને વેટ જ નહીં બીજા અનેકજાતના ટેક્સ છે જે રાજ્યની તિજોરી ભરી રહ્યાં છે.
આ વેરામાં નિગમ કર, આવકવેરો, સંપત્તિવેરો, સીમાકર, આબકારી જકાત, સેવા કર, કેન્દ્રીય જીએસટી અને સંકલિત જીએસટી સહિત કુલ આઠ કરવેરાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય કરવેરામાંથી ગુજરાત સરકારને આવતા વર્ષે 26646 કરોડ રૂપિયા મળશે. બીજી તરફ રાજ્ય સરકારના પોતાના 11 કર મોજૂદ છે જેની આગામી વર્ષની આવકનો અંદાજ 1.31 લાખ કરોડ રાખવામાં આવ્યો છે.
રાજ્યની કરવેરાની આવકમાં રાજ્ય જીએસટીનો હિસ્સો 55560 લાખ કરોડ થશે જ્યારે વેલ્યુ એડેડ ટેક્સ કે જે સામાન્ય રીતે પેટ્રોલિયમ પેદાશો પર રાખવામાં આવ્યો છે તેની કમાણી 17950 કરોડ થવાની ધારણા છે. વન નેશન વન ટેક્સના સ્લોગન સામે રાજ્યમાં હજી વેચાણવેરો, વેટ અને અન્ય વેરા પેટે સરકાર 23230 કરોડ રૂપિયાની કમાણી કરશે.
વીજળી પરના વેરાની આવક 8700 કરોડ, વાહનપરના કરની આવક 4558 કરોડ, સ્ટેમ્પ અને નોંઘણીની આવક 8700 કરોડ, જમીન મહેસૂલની આવક 3000 કરોડ અને માલ અને ઉતારૂ કરની આવક 125 કરોડ અંદાજવામાં આવી છે. આ સ્ટેટની આવક હોવાથી તેને બંધ કરવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ બંધ થાય તેમ લાગતું નથી.
આ બન્ને કરની રકમ 1.31 લાખ કરોડ થવા જાય છે. એ ઉપરાંત રાજ્યની કર સિવાયની આવક 14600 કરોડ અને સહાયક અનુદાન અને કેન્દ્ર તરફથી મળતા ફાળાની આવક 16084 કરોડ થવાની છે. કેન્દ્ર સરકારે જીએસટીનો અમલ કરતાં કહ્યું હતું કે દેશમાં વન નેશન વન ટેક્સની ફોર્મુલા બનાવવામાં આવી છે પરંતુ હજી પણ જીએસટી સાથે વેટ અને એક્સાઇઝ ડ્યુટી લેવામાં આવે છે. ગુજરાતમાં તો 19 જેટલા વિવિધ કર લોકોને ભરવા પડે છે. રાજ્યની વસતી 6.20 કરોડ માનવમાં આવે તો વાર્ષિક સરેરાશ લોકો પર 5000 રૂપિયાનું કર ભારણ આવે છે.