એટીએમમાંથી રોકડ ઉપાડ માટે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનાર કંપની ઉપર રિઝર્વ બેન્ક દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના પગલે હાલ જે લોકો પાસે આ કંપનીના ક્રેડિટ કે ડેબિટ કાર્ડ છે તેઓ ચિંતામાં મુકાયા છે કારણ કે તેમને ડર છે કે ક્યાં તેમનું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ બંંધ ન થઇ જાય…
સમગ્ર ઘટનાની વાત કરીયે તો RBIએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનાર માસ્ટરકાર્ડ ઉપર નવા કાર્ડ જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આથી હવે બેંક નવા અથવા જૂના ગ્રાહકોને માસ્ટર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જારી નહીં કરી શકે. RBIનો આ નિર્ણય 22 જૂલાઈના રોજથી લાગૂ થશે.
રિઝર્વ બેન્કે એપ્રિલ 2018માં એક સર્ક્યુલર જાહેર કરી આદેશ આપ્યો હતો. એ પ્રમાણે દરેક ઓનલાઈન પેમેન્ટ કંપનીએ તેનો ડેટા ભારતમાં સ્ટોર થાય એવી સુવિધા ઉભી કરવાની હતી. એ છ મહિનાની મુદત ક્યારની પુરી થઈ ચૂકી છે. એ પછી માસ્ટરકાર્ડને વારંવાર ચેતવણી છતાં તેણે ભારત સરકારના નિયમોનું પાલન કર્યું નથી. આ પહેલા એપ્રિલમાં અમેરિકન એક્સપ્રેસ અને ડિનર્સ ક્લબ ઈન્ટરનેશનલના કાર્ડ પર પણ આરબીઆઈ દ્વારા આ પ્રતિબંધ મુકાયો હતો.
હકીકતમાં બેંકો તરથી જે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવે છે, તેને કંપનીઓ બનાવે છે. તેમાંથી જ એક છે માસ્ટરકાર્ડ એશિયા/પેસિફિક પીટીઆઈ લિમિટેડ (માસ્ટરકાર્ડ). કેન્દ્રીય બેંક RBIએ આ કંપની પર કાર્યવાહી કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બુધવારે Mastercard Asia / Pacific Pte Ltd પર કાર્યવાહી કરતા 22 જુલાઈના રોજથી પોતાના કાર્ડ નેટવર્ક પર નવા ડોમેસ્ટિક ડેબિટ, ક્રેડિટ અથવા પ્રીપેડ ગ્રાહકોને સામેલ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે.
શુ જૂના માસ્ટર ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ચાલુ રહેશે?
RBIના નિર્ણય પછી બેંક નવા માસ્ટર કાર્ડ જારી નહીં કરી શકે. જોકે રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે જૂના માસ્ટર કાર્ડ ચાલુ રહેશે. તેનો અર્થ સ્પષ્ટ છે કે પહેલાની જેમ ડેબિટ અને ક્રેડિટ કાર્ડની તમામ સેવાઓ જારી રહેશે. તેમના પર કોઈ અસર નહીં થાય.