નાના ખાતાધારકો પાસેથી છાશવારે દંડ વસૂલીત સરકારી બેન્ક SBI મોટા ઉદ્યોગપતિઓ પણ કેટલી મહેરબાન છે તે જગજાહર છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની છે. SBI એ દેવાદાર અને લોન ડિફોલ્ટર અનિલ અંબાણી વિરોધ છેતરપીંડિનો કેસ પરત ખેંચવાની સાથે સાથે ફ્રોડનો ટેગ હટાવી લેવાનો નિર્ણય લીધો છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અનિલ અંબાણીની નાદાર થયેલ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સના ટેલિકોમ ટાવર યુનિટ રિલાયન્સ ઇન્ફ્રાટેલ સામે છેતરપિંડીના આરોપો પાછા ખેંચવાની વિનંતી કરી છે. બેંકે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં આ સંદર્ભમાં સોગંદનામું દાખલ કર્યું છે.
એસબીઆઈએ આપેલ સોંગદનામાથી સંબંધિત એક બેંક અધિકારીએ જણાવ્યું છે કે એસબીઆઈના મતે રિલાયન્સ ઇન્ફ્રાટેલ પરના છેતરપિંડીના ટેગથી રિઝોલ્યુશન પ્રક્રિયામાં વિલંબ પડી શકે છે અને લેણાં રકમની પુન-પ્રાપ્તિની સંભાવનાને ઘટશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણીની કંપની જિયો 4000 કરોડ રૂપિયામાં રિલાયન્સ ઇન્ફ્રાટેલ ખરીદવાની યોજના ધરાવે છે, પરંતુ કંપની પરના આક્ષેપોને કારણે તે આ યોજનાથી દૂર થઈ શકે છે. જો રિલાયન્સ ઈન્ફ્રાટેલને ખરીદવાની યોજના મુકેશ અંબાણીની જિયો માંડી વાળશે તો રિલાયન્સ ઇન્ફ્રાટેલ પાસેથી લેણાં વસૂલવાની આશા રાખતી બેન્કોને આંચકો મળી શકે છે. આ જ આશંકાને કારણે એસબીઆઈએ રિલાયન્સ ઈન્ફ્રાટેલ પરના આરોપ પાછા ખેંચવા માટે ઉતાવળમાં સોગંદનામું આપ્યું છે.
રિલાયન્સ કોમ્યુનિકેશન અને તેના એકમો રિલાયન્સ ઇન્ફ્રાટેલ અને રિલાયન્સ ટેલિકોમની રીઝોલ્યુશન પ્રક્રિયામાં એસબીઆઈ મુખ્ય લેણૅદાર બેંક છે. જો આ નાદારી પ્રક્રિયામાં વિલંબ થશે તો સૌથી વધુ નુકશાન એસબીઆઇને જ થશે. આરકોમ અને નાદાર થયેલ અન્ય એક ટેલિકોમ કંપની એરસેલ પાસેથી બેંકોએ કુલ 12,000 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે.