કંડલા પોર્ટની નજીક ગુજરાત સરકારે કચ્છની સ્થાનિક કંપની આહિર સોલ્ટ એન્ડ એલાઇડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (ASAPPL) ને જેટી બનાવવાની મંજૂરી આપતાં વિવાદ સર્જાયો છે. કંડલા પોર્ટ ટ્રસ્ટ એ કેન્દ્ર સરકાર હસ્તક છે અને પોર્ટ ટ્રસ્ટે આ જેટીને ગેરકાયદે હોવાનો આરોપ મૂક્યો છે.
મીઠાના ઉત્પાદન માટે આપેલી જમીનમાંથી કેટલાક હિસ્સાને જેટી માટે આપવામાં આવતા આ વિવાદ સર્જાયો છે. રાજ્ય સરકારે આહિર સોલ્ટ એન્ડ એસાઇડને કંડલા પોર્ટની નજીકમાં જ જેટી બનાવવાની મંજૂરી આપી છે જેમાં લિકવીડ અને ડ્રાય સ્ટોરેજ ટર્મિનલની સુવિધા ઉભી કરાશે. આ જગ્યાએ 44 ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવશે જેની કુલ ક્ષમતા 92488 કિલોલીટરની રહેશે.
આ પ્રોજેક્ટ માટે સરકારે આહિર સોલ્ટને 1317.56 એકર જમીન લીઝથી મીઠાના ઉત્પાદન માટે આપી છે જે પૈકી 94.56 એકર જમીન જેટીના નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે. કંડલા પોર્ટ ટ્રસ્ટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા મોટાપાયે ગેરરીતિ થઇ હોવાનો આરોપ મૂક્યો છે, જો કે મેરીટાઇમ બોર્ડે ખાનગી લો ફર્મને રોકીને કાયદાકીય સલાહ લીધી હોવાનું કહેવામાં આવે છે.
બીજીતરફ કેન્દ્રીય શિપીંગ મંત્રાલય પણ આહિર જૂથની કંપનીને મળી રહેલી આ ફેવર અંગે ચૂપ છે. આહિર સોલ્ટ ગ્રુપને કેટલાક રાજકીય વાયદા કરવામાં આવ્યા હોવાની પણ શંકા સેવાઇ રહી છે. કંપનીએ એવો દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં 1972થી એક જેટી કાર્યરત હતી અને તેનો પુનરૂત્થાર કરવામાં આવી રહ્યો છે. કંડલા પોર્ટ ટ્રસ્ટ એટલે કે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના આરોપ છે કે તેમને આ વિસ્તારમાંથી પેસેજ આપવા માટે વારંવાર વિનંતી કરવામાં આવી હતી.
થોડાં સમય પહેલાં મેરીટાઇમ બોર્ડ તરફથી પણ સત્તાવાર સૂચના મળી હતી. ટ્રસ્ટની દલીલ છે કે આ જેટીના નિર્માણ માટે કેન્દ્રની મંજૂરી લેવી જરૂરી છે જે મેરીટાઇમ બોર્ડે લીધી છે. કેન્દ્ર સરકાર હસ્તક પોર્ટની જગ્યાની અંદર બીજું પોર્ટ બનાવવાની સત્તા રાજ્ય સરકારને નથી તેમ છતાં આ જેટીની જગ્યા દિનદયાલ પોર્ટની જમીનની અંદર આવે છે. આ ઉપરાંત કંપનીને કોઇ વોટર ફ્રન્ટ મેળવવાનો પણ અધિકાર નથી. બે પોર્ટની વચ્ચે ઓછામાં ઓછું 100 કિલોમીટરનું અંતર હોવું જોઇએ તેવું ભારતની પાર્લામેન્ટરી કમિટીએ નિશ્ચિત કરેલું છે તેથી તેનું પણ ઉલ્લંઘન થાય છે.
કંડલા પોર્ટને CISF ની સુરક્ષા મળે છે અને પાકિસ્તાનથી ખૂબ નજીક હોવાથી તે સુરક્ષાની રીતે સંવેદનશીલ સ્થળ છે. અહીં કોઇ ખાનગી કંપનીને જેટી બનાવવા માટે પરવાનગી આપવી જોખમી છે. એ ઉપરાંત પર્યાવરણ એટલે કે ઇકોલોજીની દ્રષ્ટિએ પણ આ નિર્ણય જોખમી છે.
બીજી તરફ ગુજરાત મેરીટાઈમ બોર્ડની દલીલ છે કે તેમણે જે 2.1 સ્ક્વેર માઈલની જમીન માટે જેટીની પરવાનગી આપી છે તે જમીન ગુજરાત સરકારને હસ્તગત છે. ગુજરાત સરકારને હસ્તગત જમીન માટે તેમણે ભારત સરકારની પરવાનગી લેવાની જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ એક્ટના સેક્શન 4 અનુસાર તેઓ માઈનોર પોર્ટ બનાવવાની મંજૂરી આપી શકે છે.
દલીલમાં જણાવાયું છે કે જેટીની પરવાનગી માટેની જમીન જેને ‘મીઠી રોહર’ પોર્ટ કહે છે તેની ઉપર DPTનો દાવો ખોટો છે. તે ગુજરાત સરકાર હસ્તક છે. કંડલા પોર્ટ ઓર્ગેનાઈઝેશનને 1954માં જમીન લીઝ આપતી વખતે આ 2.1 કિલોમીટરનો વિસ્તાર બાકાત રાખવામાં આવ્યો હતો.
મેરીટાઈમ બોર્ડ એવી ખાતરી પણ આપી રહ્યું છે કે નવું પોર્ટ પર્યાવરણની દ્રષ્ટિએ CRZના તમામ નિયમોનું પાલન કરશે અને આસપાસના મેન્ગૃવના વૃક્ષો અથવા અન્ય જીવસૃષ્ટિને કોઈ નુકશાન ન થાય તેનું ધ્યાન રાખીને પ્રોજેક્ટ એક્ટિવિટી કરશે.
આહિર જૂથની કંપની લીક્વીડ ટર્મિનલ, પાઈપલાઈન, રોડ કનેક્ટિવિટી, રેલ્વે લાઈન અને સાઈડિંગ બનાવવાની યોજના ધરાવે છે. આ જેટીમાં વાર્ષિક 0.3 મિલિયન મેટ્રિક ટન લીક્વીડ કાર્ગો અને વાર્ષિક 0.6 મિલિયન મેટ્રિક ટન સોલીડ કાર્ગો હેન્ડલ કરવાની યોજના છે. જેટીનો વોટર ફ્રન્ટ લેન્ધ 230 મીટર જેટલો હશે. આ ઉપરાંત પ્રોજેક્ટમાં માલસામાનની અવર જવર માટે જુદી રેલ્વે લાઈન નાંખવાની પણ યોજના છે.
જો આ જેટીનું નિર્માણ થાય તો કંડલા પોર્ટને આર્થિક રીતે મોટા પ્રમાણમાં નુકશાન વેઠવું પડી શકે તેમ છે. આંકડા મુજબ કંડલા પોર્ટ 2018-2019 પ્રમાણે સૌથી વધુ ટ્રાફિક વોલ્યુમ હેન્ડલ કરી રહેલું પોર્ટ છે. અહીંથી 115.4 મેટ્રિક ટન જેટલો માલ હેન્ડલ થાય છે જે દેશમાં તે સૌથી વધારે છે. બીજા ક્રમે ઓરિસ્સાનો પારાદીપ પોર્ટ 109 મેટ્રિક ટન જેટલો માલ હેન્ડલ કરે છે, જયારે ત્રીજા ક્રમે મુંબઇનું જવાહરલાલ નહેરૂ પોર્ટ 70.70 મેટ્રિક ટન જેટલો માલ હેન્ડલ કરે છે.