ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક દાળ-ભાત અને ખીચડી છે. ભાત વિનાની રસોઇ અધુરી ગણાય છે. ભાત એટલે ડાંગર-ચોખા. આ ડાંગરના પાકની આડપેદાશ રાજ્યના ખેડૂતોને લખપતિ બનાવી શકે છે. વિદેશોમાં આ સંશોધન થયું છે પરંતુ ગુજરાતના ખેડૂતો ડાંગરની આડપેદાશોથી અજ્ઞાન છે.
ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ખેડા જિલ્લાના નવાગામમાં આવેલા ચોખા સંશોધન કેન્દ્રમાં થયેલા સંશોધન પ્રમાણે ડાંગરના પિલાણ પછી મીલમાંથી નીકળતી ચોખા સિવાયની ઘણી બધી આડપેદાશોને વિવિધ ઉદ્યોગોમાં ફેરવવામાં આવે તો દેશનું આર્થિક પાસું બદલી શકાય છે. ડાંગરનો એક છોડ 25 થી 30 આડપેદાશ આપે છે. ડાંગરમાંથી ચોખા, મમરા, પૌંઆ, દારૂ, સ્ટાર્ચ, પાપડી બને છે.
કુશકીમાંથી તેલ, ખોળ, મીણ, ટાર અને વેસ્ટ બને છે. ફોતરીમાંથી સિમેન્ટ, બોર્ડ, કરફ્યુરલ, સિલિકા, ઇંટ માટેની રાખ અને પરાળમાંથી સ્ટ્રો-બોર્ડ, કાગળ, સ્ટ્રો-બેગ, કુટીર પેદાશ અને શેમ્પુ બને છે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો જેવાં કે દક્ષિણ કોરિયા, જાપાન અને ભારતમાં ચોખામાંથી દારૂ બનાવવામાં આવે છે.
સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, રૂરકીએ ડાંગરની ફોતરીમાંથી સિમેન્ટ બનાવ્યો છે. ફરફ્યુરલ એક એવું રસાયણ છે કે જે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગમાં ઉદ્દીપક તરીકે વપરાય છે. આ પ્રકારનો પ્લાન્ટ પંજાબમાં સ્થપાયેલો છે. ઇન્ડોનેશિયામાં વાળ માટેનું શેમ્પુ ડાંગરની પરાળમાંથી બનાવવામાં આવે છે. ડાંગરની ફોતરીમાં 15 ટકા સિલિકા હોય છે. કુશકીમાંથી મળતા તેલના ઉપયોગ ધ્યાને લેવામાં આવે તો ખેડૂતો લખપતિ બની શકે છે.
જાપાનમાં આ તેલમાં બટાટાની ચિપ્સ અને સેવ તળાય છે. તાઇવાનના લોકો રાંધવામાં આ તેલ વાપરે છે. જાપાનમાં થયેલા સંશોધન પ્રમાણે આ તેલમાં કોલેસ્ટ્રોલ હોતું નથી તેથી તંદુરસ્તી માટે ઉત્તમ ગણાય છે. આ તેલમાંથી પાલમિટીક, માયસ્ટ્રીક, સ્ટીરિક, ઓલિક, લિનોલિક અને લિનોલેનિક એસિડ મળે છે. ડાંગનો એક છોડ બહુમૂલ્ય પેદાશોનો ભંડાર છે તે બાબત ગુજરાતના કૃષિ વિભાગના અધિકારીઓને ગળે ઉતરવી જોઇએ.