કોરોના સંક્રમણના કારણે લોકડાઉનના સમયગાળા દરમ્યાન ફૂલોની ડિમાન્ડ ઓછી રહી છે પરંતુ શ્રાવણ માસમાં પણ આ માંગમાં ઉછાળો આવી શક્યો નથી પરિણામે ફૂલોની ખેતી કરનારા ખેડૂતો અને બજારમાં વેચનારા વ્યાપારીઓ પાયમાલ થઇ રહ્યાં છે. ખાસ કરીને નિકાસલક્ષી ફૂલોની ખેતી કરનારા ખેડૂતોને વધારે માર પડ્યો છે.
>ગુજરાતમાં ફૂલોનું ઉત્પાદન બીજા રાજ્યો કરતાં ઓછું છે તેમ છતાં જે ખેડૂતો અને વેપારીઓ સ્થાનિક બજારમાં ફૂલો ઠાલવે છે તેમને આ વખતે મોટી ખોટનો સામનો કરવો પડ્યો છે, કારણ કે ત્રણ મહિનાના લોકડાઉનમાં ફૂલોનું વેચાણ થયું નથી. વિદેશમાં જે ફૂલો મોકલવામાં આવતા હતા તે પણ બંધ થતાં આ વખતે ખેતી માથે પડી છે. કોરોના સંક્રમણના કારણે ફૂલોની માંગમાં 60 ટકા જેટલી ઘટાડો થયો છે.
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ફૂલોનું વેચાણ વધવું જોઇએ પરંતુ ખોટને સરભર કરવા માટે વેપારીઓએ ફૂલોની કિંમત વધારી દેતાં માંગ ઘટી છે. મોટાભાગના મંદિરોમાં આ વખતે અભિષેક અને ગર્ભગૃહમાં પૂજાવિધિ કરવાની મનાઇ હોવાથી પણ ફૂલોની ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો છે. અત્યારે બજારમાં છૂટક ફૂલોની કિંમતમાં 25 ટકા સુધીનો વધારો થયો છે. વિદેશથી આવતાં ફૂલોની કિંમત પણ વધી છે.
શ્રાવણના તહેવારોમાં ફૂલોની માંગમાં વધારો થતો હોય છે પરંતુ આ વખતે ભાવવધારા અને કોરોનાના કારણે ફૂલોની ડિમાન્ડ ઘટી છે. અમદાવાદના સૌથી મોટા જમાલપુર માર્કેટમાં આ વખતે ફૂલોની ઘરાકી 50 ટકા ઓછી જોવા મળી રહી છે. બીજી તરફ ખેડૂતોએ સંક્રમણ વચ્ચે ફૂલોની ખેતી ઘટાડી દીધી છે.
કોરોનાના કારણે આ વખતે ઓછા ખેડૂતોએ ફૂલોની ખેતી કરી છે. અમદાવાદમાં સામાન્ય રીતે ગાંધીનગર અને આણંદ જિલ્લામાંથી તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ફૂલો આવતા હોય છે. શ્રાવણ મહિનાના તહેવારો શરૂ થઇ ચૂક્યાં છે છતાં ફૂલોના બજારમાં ઘરાકી જોવા મળતી નથી. માર્કેટમાં હાલ ફૂલોની શોર્ટેજ પણ ઉભી થઇ છે, કારણ કે ફૂલોની આયાત અટકી છે અને વેપારીઓ પાસે સ્ટોક ઓછો છે તેથી ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.