ગાંધીનગર મહાનગરપાલિકામાં 18 ગ્રામ પંચાયતો, પેથાપુર પાલિકા અને સાત ગામોના સર્વે નંબરો દાખલ કરવામાં આવતાં હવે કોર્પોરેશન કરોડપતિ થશે, કારણ કે પ્રોપર્ટી ટેક્સ થકી કોર્પોરેશનની આવકમાં 40 ટકા થી વધુ રકમનો વધારો થવાનો છે. મહાનગર દ્વારા નવી મિલકતોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે જેની ગણતરી હવે કોર્પોરેશન વિસ્તારમાં થવાની છે.
મહાનગર દ્વારા જીયોગ્રાફીક ઈન્ફર્મેશન સિસ્ટમ અને પ્રોપર્ટી ટેકસ સર્વેના આધારે નવા વિસ્તારમાં રહેલી મિલકતોનો સર્વે કરવામાં આવનાર છે પરંતુ આ વિસ્તારોમાં રજીસ્ટર 85000 મિલકત અને અન રજીસ્ટર્ડ 40000 મિલકતોનો અંદાજ રાખવામાં આવતા કુલ 125000 જેટલી મિલકતો કોર્પોરેશનમાં સમાવવામાં આવશે જેથી ચાલુ વર્ષથી તેનો પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકા 2011માં અસ્તિત્વમાં આવી હતી આ સમયે સે-1 થી સે-30ની સાથે આસપાસના સાત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્પોરેશનના વિસ્તારમાં કોઇ વધારો થયો નથી પરંતુ કોર્પોરેશનની ચૂંટણી પહેલા સરકારે 18 ગ્રામ પંચાયત અને પેથાપુર નગરપાલિકા તેમજ સાત ગામના સર્વે નંબરોનો કોર્પોરેશનમાં સમાવેશ કરી લીધો છે.
આ વિસ્તારોમાં કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કોબા, વાસણા હડમતીયા, વાવોલ, કોલવડા, પોર, અંબાપુર, અમિયાપુર, ભાટ, સુઘડ, ઝુંડાલ, ખોરજ, કોટેશ્વર, નભોઇ, રાંધેજાનો સમાવેશ થાય છે. આ પંચાયતો ઉપરાંત તારાપુર, ઉવારસદ, ધોળાકુવા, ઈન્દ્રોડા,લવારપુર, શાહપુર અને બાસણ ગામના સર્વે નંબરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર મહાનગરમાં હવે પેથાપુર નગરપાલિકા પણ સમાવી દેવાઇ છે જેથી કોર્પોરેશનનો હયાત વિસ્તાર ત્રણ ગણો થયો છે અને આ વિસ્તારની મિલકતો પણ હવે કોર્પોરેશન હસ્તક આવી જશે જેનો મિલકતવેરો પણ કોર્પોરેશન દ્વારા ઉઘરાવવામાં આવશે. કોર્પોરેશનને નક્કી કર્યું છે કે નવા વિસ્તારોમાં જે પ્રોપર્ટી આવેલી છે તેનો ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવશે.
મહાનગરપાલિકાની રચના થયા બાદ પ્રથમવાર પ્રોપર્ટી ટેકસ વસુલવા માટે થયેલા સર્વેમાં ગાંધીનગરમાં રહેણાંક અને કોમર્શિયલ મળી 54000 મિલકતો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં સાત ગામની મિલકતોનો પણ સમાવેશ કરાયો હતો. કોર્પોરેશને ત્યારબાદ 2019માં મિલકતવેરામાં રીસર્વેની કામગીરી હાથ ધરી હતી જેમાં નવી 11000 જેટલી મિલકતોનો ઉમેરો થયો હતો. આ મિલકતોથી કોર્પોરેશનને વધુ છ કરોડની મિલકતવેરાની આવક થશે. એ ઉપરાંત નવી 125000 જેટલી મિલકતો ઉમેરાવાના કારણે કોર્પોરેશનને મિલકતવેરા પેટે 100 કરોડ રૂપિયા મળી રહેશે.