ગુજરાતમાં દેશનો પ્રથમ હાઇડ્રોજન ગેસ પ્લાન્ટ સ્થપાવા જઇ રહ્યો છે. ગ્રીન અને ક્લિન એનર્જી તરીકે ઓળખાતા હાઇડ્રોજન ગેસના ઉત્પાદનનો સૌપ્રથમ પ્લાન્ટ વડોદરા ખાતે આઇઓસીએલ-ગુજરાત રિફાઇનરીમા શરૃ થશે. આ ઉપરાંત અન્ય ૬ પ્રોજેક્ટો મળીને આઇઓસીએલ રૃ.૨૪૦૦૦ કરોડનું રોકાણ વડોદરામાં કરી રહ્યુ છે આ અંગે આજે ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર સાથે આઇઓસીએલ દ્વારા કરાર કરવામાં આવ્યા હતા. સરકારનો દાવો છે કે આ પ્રોજેક્ટોથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૨૫,૦૦૦ લોકોને રોજગારી મળશે.
આ પ્રસંગે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન વૈદ્યે કહ્યું હતુ કે, ગુજરાત રિફાઈનરી ભારતનો પ્રથમ હાઈડ્રોજન વાયુ ઉત્પાદન પ્લાન્ટ શરૃ કરશે. ઉપરાંત ઇન્ડિયન ઓઇલ ગુજરાત રિફાઈનરીએ પોતાની ઉત્પાદન ક્ષમતા ૧૮ મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ લઈ જવાનું નક્કી કર્યું છે.
નવા ઉદ્યોગ એકમો પોલીપ્રોપીલીન, બ્યુટાઇલ એક્રીલેટ અને લુબ્રિકન્ટ જેવા ઔદ્યોગિક વપરાશના અગત્યના કાચા માલનું ઉત્પાદન કરશે. કોટીંગ-રંગકામ, એડહેસીવ- ગુંદર, ટેક્સટાઇલ અને અન્ય રસાયણો જે હાલ આયાત કરવામાં આવે છે તેના ઉત્પાદન માટે અતિ મહત્વનું બ્યુટાઇલ એક્રીલેટ અહીં ઉત્પાદિત થશે.