કેન્દ્ર અને રાજ્ય સરકારે અનલોક શરૂ કર્યું છે ત્યારે ગુજરાતના ગામડાં સ્વયંભૂ લોકડાઉન પાળી રહ્યાં છે. સરકારે જ્યારથી અનલોક શરૂ કર્યું છે ત્યારથી ગુજરાતમાં કેસો વધી રહ્યાં છે. હજી પણ ગુજરાતમાં જેટલા કેસો છે તે પૈકી 80 ટકા કેસો માત્ર અમદાવાદ, સુરત અને વડોદરામાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ સંક્રમણ ઓછું હોવાથી ગ્રામજનો એલર્ટ થઇ રહ્યાં છે.
શહેરોનો ચેપ ગ્રામ્ય વિસ્તારમાં વધતો અટકાવવા માટે ગ્રામપંચાયતો જાતે લોકડાઉન જેવી સ્થિતિ લાગુ કરી રહ્યાં છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે અમદાવાદમાં હવે કેસો ઘટવાની પ્રક્રિયા શરૂ થઇ છે પરંતુ સુરત અને રાજકોટ ઉપર મોટું જોખમ તોળાઇ રહ્યું છે. જો આ બન્ને શહેરોમાં લોકો જાતે નહીં સમજે તો આવનારા 15 દિવસમાં સુરત અને રાજકોટની સ્થિતિ નાજૂક બની શકે તેમ છે.
આ સ્થિતિમાં નાના શહેરો અને ગામડાઓમાં અમુક કલાકો પછી સ્વયંભૂ બંધ પાળવાનું શરૂ કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે ગુજરાતના ગ્રામ્ય નાગરિકોએ સામૂહિક રીતે અનોખી પહેલ શરૂ કરી છે. કેટલીક જગ્યાએ વેપારી એસોસિયેશનોએ અમુક કલાક સુધી બંધ પાળવાનો સ્વયંભૂ નિર્ણય લીધો છે. ગાંધીનગરનું મીનાબજાર પણ સાંજના પાંચ વાગ્યે બંધ કરી દેવામાં આવે છે.
તાજેતરમાં જ ગાંધીનગર નજીક આવેલા ચિલોડામાં બપોરના બે વાગ્યા બાદ તમામ બજારોને સ્વંયભૂ બંધ રાખવાનો સ્થાનિક વહિવટી તંત્ર-વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં જ આવેલા દહેગામમાં મોટાભાગના બજાર બપોરે ચાર વાગ્યા સુધીમાં બંધ કરી દેવામાં આવે છે.
ગાંધીનગર જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસને પગલે તકેદારીના ભાગરૂપે વિવિધ વેપારી મંડળો દ્વારા સ્વંયભૂ દુકાનોને બંધ રાખવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં આવેલા ડભોઇમાં આગામી પાંચ ઓગસ્ટ સુધી સવારે 8 થી બપોરે 2 સુધી દુકાનો ખુલી રાખવા અને ત્યારબાદ નગરજનોને સ્વૈચ્છિક જનતા કર્ફયૂનું પાલન કરવા અનુરોધ કરાયો છે.
સતત વધી રહેલા કોરોનાના કેસને પગલે એશિયાનું મોટું ઉંઝા માર્કેટિંગ યાર્ડ 19 થી 26 જુલાઇ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે ઉંઝા માર્કેટિંગ યાર્ડના બંધને 2ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉંઝા અગાઉ બોટાદ માર્કેટિંગ યાર્ડને પણ 26 જુલાઇ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. બોટાદના રાણપુરમાં આગામી 31 જુલાઇ સુધી સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી જ સ્વંયભૂ દુકાનો ખુલી રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
જામજોધપુર માર્કેટિંગ યાર્ડ પણ 21 જુલાઇથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરાયું હોવાનું સામે આવ્યું છે. જુલાઇ મહિનામાં કોરોનાના સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા છે. મોરબીના વેપારીઓએ પણ બપોરે ત્રણ વાગ્યા સુધી દુકાન-ધંધા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ઉત્તર ગુજરાતમાંથી પાલનપુર-ડીસામાં બપોરે ચાર વાગ્યા બાદ તમામ દુકાન સજ્જડ બંધ પાળે છે. આ ઉપરાંત પાટણે પણ 31 જુલાઇ સુધી બપોરે બે વાગ્યા બાદ તમામ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.