ગુજરાતના પ્રત્યેક ગામને હાઇ બેન્ડવિડ્થ ઇન્ટરનેટ સુવિધા આપવા માટેની શરૂ કરવામાં આવેલી યોજનામાં વિલંબ થયો છે. કોરોના સંક્રમણના કારણે આ પ્રોજેક્ટ માર્ચ 2020માં પૂર્ણ કરી શકાયો નથી પરંતુ હવે ઝડપથી પૂર્ણ કરવાની ઉચ્ચકક્ષાએથી તાકીદ કરવામાં આવી છે.
રાજ્યની પ્રત્યેક ગ્રામ પંચાયતને હાઇ બેન્ડવિડ્થ ઇન્ટરનેટ સુવિધા આપવા માટે રાજ્ય સરકારે 2500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટમાં મોટાભાગનું કામ પૂર્ણ થયું છે. પ્રોજેકટ જ્યારે પુરો થશે ત્યારે દરેક ગામ ઓપ્ટિકલ ફાઇબર-ઓએફસી લાઇનથી જોડાયેલું હશે અને શહેરો જેવી ઝડપથી ઇલેકટ્રોનિક સેવાઓ અને સગવડો મેળવી શકાશે.
સરકારી માલિકીની એસપીવી બીબીએનએલે ગુજરાત સરકારને ઇન્ટરનેટથી જોડતા રાજય સરકારે પણ સ્પેશિયલ પર્પઝ વ્હીલ (એસપીવી) બનાવ્યું છે. ગુજરાત ફાયબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (જીએફજીએનએલ) એસપીવીએ બે તબક્કામાં રાજયમાં ઓપ્ટીકલ ફાયબર સ્થાપીને ગામડાઓને ગાંધીનગર સાથે જોડવાનો પ્રોજેકટ શરૂ કર્યો છે.
સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ગામડામાંથી કોઇને ઇન્ટરનેટ પર પેમેન્ટ કરવું હોય કે કોઇ પરીક્ષા માટે ફોર્મ ભરવું હોય તો તેમણે નાના કે મધ્યમ શહેરમાં જઇને કામ કરવું પડે છે. હવે ઓપ્ટિકલ ફાયબરની મદદથી ગામડાની પંચાયતોને ઇન્ટરનેટ વડે વર્લ્ડવાઇડ વેબના વિશાળ નેટવર્ક સાથે જોડી દેવાશે. તેથી ગામડાના યુવાનોને તમામ સરકારી તેમના ગામમાંથી જ મળી શકશે.
આ પ્રોજેકટની એપ્લિકેશન અને તેને વિવિધ ગ્રામપંચાયતથી લાઇવ અમલ કરવાની દિશામાં કામગીરી ચાલુ છે. પ્રોજેકટના અમલમાં ગુજરાત અન્ય રાજયોની સરખામણીમાં સૌથી આગળ છે. આ પ્રોજેકટ રાજયના ગામડાઓને ગાંધીનગર સાથે જોડશે અને વિવિધ સરકારી ઇ-સેવાઓ અને શાળા કે હોસ્પિટલો જરૂરી સેવાઓ બેન્ડવિડ્થ સાથે તેઓ મેળવી શકશે. એટલે કે એક પ્રકારનો ડિજિટલ હાઇવે બનાવ્યો છે. તેની અનંત સેવાઓનો ગ્રામજનો લાભ લઇ શકશે.
આ પ્રોજેકટથી ગામડામાં ઇ-બેન્કિંગ, જમીન, દસ્તાવેજ, જન્મ-મૃત્યુ દસ્તાવેજ મેળવી શકાશે, વિડીયો કોન્ફરન્સ કરી શકશે. તમામ ડેટા અંગે શહેરોમાં જે સ્પીડે ઇન્ટરનેટ મળે તેવી સ્પીડ ગામડામાં મળશે. ગામડાની હોસ્પિટલ કે શાળાઓ પણ શૈક્ષણિક હેતુથી ઇન્ટરનેટનો લાભ લઇ શકશે. આ સાથે ખાનગી સંસ્થાઓને પણ તેમની જરૂરીયાતો મુજબ પણ હાઇ સ્પીડ ડેટા મેળવી શકશે. રાજયમાં આ પ્રોજેકટ સારી એવી ગતિમાં પુર્ણતાને આરે છે, આ પ્રોજેકટમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજયોમાં ચાલતી કામગીરીના સરવાળા કરતાં બમણી કામગીરી રાજયમાં થઇ ચુકી છે.
રાજય સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ હેઠળ જીએફજીએનએલે પ્રથમ ફેઝમાં 16,000 કિલોમીટરમાં ઓએફસી કેબલ લાઇન બિછાવી કુલ 6400 પંચાયતોમાંથી 5200 પંચાયતોમાં આ પ્રોજેકટ ચાલુ થાય તેવી વ્યવસ્થા ગોઠવી દીધી છે. ફેઝ ટુમાં 7700 ગ્રામ પંચાયતોમાંથી 4031 પંચાયતોમાં કામગીરી પૂર્ણ થઇ છે. ગુજરાત ભરમાં 36,000 કિલોમીટર ફેઝ 2માં 22,000 કિલોમીટર ઓપ્ટીકલ ફાઇબર નાંખવાનુ કામ થયુ છે. જેમાં બાકીનું કામ હવે પૂર્ણ કરાશે.