ગુજરાતમાં સંજોગોએ જેમને મુખ્યમંત્રીની ખુરશી આપી છે તેમની પાસે શાસન કરવાનું રિમોટ રહ્યું નથી. આખી સરકાર દિલ્હી હાઇકમાન્ડથી કન્ટ્રોલ થાય છે. 1990 પછીના મુખ્યમંત્રીઓ જોઇએ તો આ બાબત ઉડીને સામે આવે છે.
1990માં ચીમનભાઇ પટેલની સરકાર પછી 1993માં આવેલી છબીલદાસ મહેતાની સરકારમાં રિમોટ કન્ટ્રોલ દિલ્હી હતું. તેઓ સ્વતંત્ર નિર્ણયો લઇ શકતા ન હતા, કારણ કે તેઓ જનતાદળના નહીં પણ કોંગ્રેસના મુખ્યમંત્રી હતા. 1995 પછી સંજોગોએ ગુજરાતને ચાર મુખ્યમંત્રીની ભેટ આપી છે.
શંકરસિંહ વાઘેલાના બળવા પછી 1995માં કેશુભાઇ પટેલને હાઇકમાન્ડે દૂર કર્યા હતા અને સુરેશ મહેતાની પસંદગી કરી હતી. સુરેશ મહેતાની સરકાર પણ દિલ્હીના ઇશારે ચાલતી હતી. શંકરસિંહ વાઘેલાએ ફરીથી બળવો કર્યો અને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. તેમની સરકાર ટર્મ પૂરી કરે તે પહેલાં કોંગ્રેસે ટેકો પાછો ખેંચવાની ધમકી આપતાં શંકરસિંહના સ્થાને દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા હતા.
દિલીપ પરીખે 128 દિવસ શાસન કર્યું છે જે અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રી કરતાં સૌથી ઓછું છે. તેમની સરકારમાં રિમોટ કન્ટ્રોલ શંકરસિંહ વાઘેલા પાસે હતું. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસન દરમ્યાન રિમોટ કન્ટ્રોલ ખુદ તેમની પાસે હતું પરંતુ તેઓ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે આનંદીબહેન પટેલને સત્તાના સુકાન સોંપ્યા હતા. આનંદીબહેન પટેલ પણ દિલ્હી પૂછીને નિર્ણય કરતા હતા. આનંદીબહેન પણ સંજોગોના આધારે મુખ્યમંત્રી બન્યા હતા.
808 દિવસના શાસન પછી આનંદીબહેન પટેલને રાજીનામું આપવું પડ્યું અને વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ચૂંટણી પછી પણ તેઓ ચાલુ રહ્યાં છે. આ સરકાર ટોટલી રિમોટ કન્ટ્રોલથી જ ચાલે છે. વિજય રૂપાણી તેમની સરકારના નિર્ણયો ખુદ લઇ શકતા નથી. તેમને દિલ્હી એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહને પૂછવું પડે છે. નિર્ણયશક્તિમાં તેઓનો નિર્ણય ચાલતો નથી.
દિલીપ પરીખની સરકારમાં શંકરસિંહ સુપ્રિમો હતા અને રૂપાણીની સરકારમાં પહેલાં અમિત શાહ અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રિમો છે. રૂપાણી સંગઠનના એક લિડર તરીકે બેસ્ટ છે. સીધા, સરળ અને મળતાવડા મુખ્યમંત્રી છે. તમામ લોકોને એકચિત્તે સાભળે છે પરંતુ તેઓ ક્યારેક જાતે નિર્ણયો લઇ શકતા નથી. જો તેમને સરકાર ચલાવવાનો છૂટો દોર આપવામાં આવે તો તેઓ મોદીની જેમ શાસનમાં રિઝલ્ટ ઓરિયેન્ટેડ બની શકે તેમ છે.
રૂપાણી પાસે સરકાર ચલાવવાના આઇડિયા છે. બ્યુરોક્રેસીને કન્ટ્રોલ કરી શકે તેવી કેપેસિટી છે. હિતેન્દ્ર દેસાઇ જેવું સરળ શાસન આપી શકે છે. લોકપ્રિયતાને પણ તેઓ જાળવી શકે છે, પરંતુ તેમને વહીવટમાં છૂટો દોર આપવામાં આવ્યો નથી. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સ્વતંત્ર નિર્ણયો લઇ શકતા હતા તેવા સ્વતંત્ર નિર્ણયો વિજય રૂપાણી લઇ શકતા નથી તે તેમની સૌથી મોટો કમનસીબી છે.