ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે લોકોની ખરીદશક્તિમાં મોટો બદલાવ આવ્યો છે. પહેલાં લોકો જૂતાં, કપડાં અને અન્ય સામગ્રીની ખરીદી વધારે પ્રમાણમાં કરતા હતા પરંતુ હવે છેલ્લા ચાર મહિનાથી લોકોએ હોસ્પિટલમાં દાખલ થવાના ડરના કારણે હેલ્થકેર અને ઇમ્યુનિટી વધારતા ઉત્પાદનોની ખરીદી વધારી દીધી છે.
દેશમાં ઇકોમર્સમાં કામ કરતી કંપનીઓ જેવી કે સ્નેપડીલ, એમેઝોન, રિલાયન્સ મોલ્સ ગ્રોસરીનું વેચાણ કરતી કંપનીઓએ કરેલા સર્વેક્ષણ પ્રમાણે કપડાં અને જૂતાંની ખરીદી ઓછી જોવા મળી છે જેની સરખામણીએ આયુર્વેદિક ઉત્પાદનો, જેઠીમધ, ગળો, સૂંઠનો પાઉડર, તજ અને લવિંગનું વેચાણ વધ્યું છે. ઇમ્યુનિટી વધારતી ઔષધિઓની માંગમાં પણ 20 ટકા જેટલો વધારો થયો છે.
આ સાથે હોસ્પિટલમાં જવાના ડરના કારણે પરિવારોમાં હેલ્થની ચીજવસ્તુઓની માંગમાં પણ વધારો થયો છે. સારી ક્વોલિટીના માસ્ક, સેનેટાઇઝર ઉપરાંત ઓક્સિમીટર, બીપી મોનિટર, ગ્લોકોઝ મોનિટર સહિતના ઉપકરણોની માંગમાં વધારો થયો છે. કોરોના સંક્રમણના સમયમાં લોકોએ ક્લિનિક કે ડોક્ટરો પાસે જવાનું ટાળ્યું છે, કારણ કે કોઇપણ દર્દની સારવાર માટે ડોક્ટર પાસે જઇએ તો પહેલાં કોરોના ટેસ્ટ કરાવવાનો હોય છે. જો પોઝિટીવ રિપોર્ટ ન હોય તો જ ડોક્ટરો સારવાર શરૂ કરે છે. બીજી તરફ ઘરમાં જ ફીટનેસ ઇચ્છતાં પરિવારો કસરતના સાધનો ખરીદી રહ્યાં છે જેમાં વેઇટ્સ, ટમી ટ્રિમર્સ, સ્કિપિંગ રોપ, પુશઅપ બાર, સૉના બેલ્ટ કે એક્સરસાઇઝ બોલ, યોગા એક્સેસરીઝની ખરીદી વધી છે. જીમના સાધનો કે જે ઘરમાં વસાવી શકાય છે તેની માંગ વધી છે.
કોરોના સંક્રમણના કારણે પગારમાં કાપ હોવાથી ઓછા બજેટની ચીજવસ્તુ ખરીદવાનું પ્રમાણ વધ્યું છે. મોંઘીદાટ ચીજો જેવી કે ટીવી, હોમ એમ્પ્લાયન્સિસ, ઓટોમોબાઇલ ઉત્પાદનો તેમજ રેડિમેડ ગારમેન્ટ ક્ષેત્રે વેચાણમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.