શેરબજારમાં હાલ તેજીનો માહોલ છે અને ઘણી કંપનીઓ આઇપીઓ લાવવાની તૈયારી રહી છે. આજે ઓનલાઇન ફૂડ ડિલિવરી ઝોમેટોનો આઇપીઓ ખુલ્યો છે અને સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે વધુ એક કંપનીનો પબ્લિક ઇશ્યૂ લાવી રહી છે. તમને જાણીને નવાઇ લાગશે આ આઇપીઓ ગુજરાતની ફાર્મા કંપનીનો છે.
ગુજરાતની દવા કંપની તત્વ ચિંતન ફાર્મા કેમને સેબી પાસેથી 500 કરોડ રૂપિયાનો આઈપીઓ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ આઈપીઓ 16 જુલાઈએ ખુલીને 20 જુલાઈએ બંધ થશે. માહિતી મુજબ, આ આઈપીઓની પ્રાઈસ બેન્ડ 1073-1083 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. આ પહેલા કંપનીના DRHPમાં આઈપીઓના ઓફર ફોર સેલની સાઈઝ 225 કરોડ રૂપિયા જણાવાઈ હતી. પરંતુ હવે તેને વધારીને 275 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. આ આઈપીઓની લોટસાઈઝ 13 ઈક્વિટી શેર અને ત્યાર બાદ 13ના ગુણાંકમાં છે. આઈપીઓનો 50 ટકા હિસ્સો QIB માટે, 35 ટકા રિટેલ માટે અને 25 ટકા નોન ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે રિઝર્વ છે.
કંપની આ આઈપીઓ પાસેથી મળેલ પૈસાનો ઉપયોગ તેના દહેજ એકમના વિસ્તરણ માટે આવનાર ખર્ચ, વડોદરા સ્થિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના વિકાસમાં આવનાર ખર્ચ અને કંપનીની રોજીંદી જરૂરતોમાં કરશે.
કંપની પોતાના મોટાભાગના ઉત્પાદનોની નિકાસ 25 દેશોને કરે છે. આ દેશોમાં અમેરિકા, ચીન, જર્મની, જાપાન, દક્ષિણ આફ્રીકા અને બ્રિટન સામેલ છે. કંપનીને 31 માર્ચ 2020એ પૂરા થતા નાણાકીય વર્ષમાં 37.78 કરોડ રૂપિયાનો નફો થયો જ્યારે તેની આવક 263.23 કરોડ રૂપિયા રહી હતી.