ગાંધીનગર — ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓ રાજ્યના વહીવટી તંત્રને સીધી સૂચનાઓ કેમ આપી રહ્યાં છે તે સોચનો વિષય છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1નો રાજ્ય અને જિલ્લાના વહીવટી તંત્ર પરનો અંકુશ જતો રહ્યો છે કે શું તેવો પ્રશ્ન સચિવાલયમાં ચર્ચાઇ રહ્યો છે. ગુજરાતની બે ઘટનાઓમાં કેન્દ્રીય મંત્રીઓએ જિલ્લા વહીવટી તંત્રને આદેશ કરવા પડ્યાં છે.
ગુજરાતના વહીવટી તંત્રના અધિકારીઓ રાજ્યમાં પ્રજાના પ્રતિનિધિઓનું ગાંઠતા નથી તેવું સાબિત થાય છે. કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં સીધી સૂચના આપે તે સ્થિતિ દયાજનક કહી શકાય તેમ છે. મહત્વની બાબત એવી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં વધારે ધ્યાન આપી રહ્યાં છે.
કોરોના સમયમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની બે ટીમો બે વખત ગુજરાતમાં મોકલવાની ફરજ પડી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગેની માહિતી લેવી પડી છે. સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ મહિલા બેન્ક કર્મચારી પર હુમલો કરે તે ઘટના સ્થાનિક છે પરંતુ કેન્દ્રીય નાણામંત્રીએ આદેશ કરવા પડ્યાં છે.
એવી જ રીતે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે રાષ્ટ્રીય સંત પૂજ્ય મોરારી બાપુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો તેમાં પણ કેન્દ્રીય નેતાગીરીએ ગુજરાત સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો હતો. સચિવાલયના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ અને મુખ્યમંત્રીની કાર્યાલયના સિનિયર મોસ્ટ અધિકારી કે. કૈલાસનાથન ગુજરાતનો રિપોર્ટ સીધો પીએમઓમાં કરે છે.
અમદાવાદ પાસે બોળની જીઆઇડીસીમાં લાગેલી ભિષણ આગની ઘટનામાં કેન્દ્રીય મંત્રીએ અમદાવાદ પોલીસ કમિશનરને આદેશ કરવા પડ્યાં છે. આવી નાની-મોટી ઘટનાઓમાં કેન્દ્રીય મોવડીમંડળ ગુજરાતમાં કેમ રસ લઇ રહ્યું છે તે સચિવાલયના અધિકારીઓને સમજાતું નથી.
સચિવાલયમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણના હસ્તક્ષેપ પછી ગુજરાત પોલીસે મહિલા બેન્ક કર્મચારી પર હુમલાનો પ્રયાસ કરનારા પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. હકીકતમાં આ જવાબદારી તો સુરતના શહેર પોલીસ કમિશનરની છે. કેન્દ્રીય મંત્રીઓ હવે જિલ્લા કલેક્ટરો તેમજ શહેર પોલીસ કમિશનરને સીધા આદેશ કરી રહ્યાં છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.