ગુજરાતમાં સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશનના દરોમાં જો 50 ટકાનો ઘટાડો કરવામાં આવે તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી આવી શકે તેમ છે, એટલું જ નહીં ઘર નું ઘર મેળવવાનું સપનું જોતાં ગ્રાહક પરિવારોને પણ મોટી રાહત થશે. રાજ્યની બિલ્ડર લોબીએ સરકારમાં ડ્યુટીના ઘટાડા માટે દબાણ શરૂ કર્યું છે, જો કે તેમને સરકાર તરફથી કોઇ પ્રતિભાવ મળ્યો નથી.
લોકડાઉન અને કોરોના સંક્રમણના સમયમાં રાજ્ય સરકારની નાણાંકીય સ્થિતિ નાજૂક બની છે અને વેરાની આવકોમાં 65 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ મહામારીના સમયમાં રાજ્યમાં જમીન અને મકાનના સોદા અટકી ગયા છે પરિણામે બિલ્ડરોની તૈયાર થયેલી સ્કીમો વેચાણ વિના પડી રહી છે અને બેન્કના વ્યાજનું ભારણ તેઓ વહન કરી રહ્યાં છે. આ સંજોગોમાં બિલ્ડરોના એસોસિયેશને સરકારનું ધ્યાન દોરીને સ્ટેમ્પડ્યુટીના દરો ઘટાડવાની સૂચન કર્યું છે.
મહારાષ્ટ્ર સરકારે કોરોના સંક્રમણે ધ્યાનમાં લઇને ફ્લેટ માટેની સ્ટેમ્પડ્યુટી ડિસેમ્બર મહિના સુધી પાંચ ટકાથી ઘટાડીને બે ટકા તેમજ જાન્યુઆરી થી માર્ચ દરમ્યાન ત્રણ ટકા કરવાની જાહેરાત કરી છે. આ પેટર્ન પ્રમાણે ગુજરાત સરકાર પાસે સ્ટેમ્પડ્યુટીના દરોમાં 50 ટકાનો ઘટાડો કરવાનું દબાણ રાજ્યના બિલ્ડર અગ્રણીઓએ શરૂ કર્યું છે.
ગુજરાતમાં સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીના માધ્યમથી વર્તમાન નાણાકીય વર્ષના બજેટમાં વાર્ષિક 8700 કરોડની આવક થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. એટલે કે પ્રતિ માસ સરકારને સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી માંથી 700 કરોડની આવક થવાનો અંદાજ હતો પરંતુ લોકડાઉનના કારણે ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલ, મે અને જૂન મહિનામાં સરકારને માત્ર 35 કરોડ રૂપિયાની આવક થઇ છે. જુલાઇના આંકડા સામે આવ્યા નથી પરંતુ સરવાળે જોઇએ તો બીજા 10 કરોડની આવક ગણી શકાય તેમ છે. એટલે કે ચાર મહિનામાં મળવાપાત્ર 2800 કરોડની સામે માત્ર 45 કરોડની આવક થઇ છે.
બિલ્ડર એસોસિયેશન ક્રેડાઇના ચેરમેને જણાવ્યું હતું કે અમે વખતોવખત રાજ્ય સરકારોને સ્ટેમ્પડ્યુટીના દરોમાં ઘટાડો કરવા માટે રજૂઆતો કરી રહ્યાં છીએ, કારણ કે જ્યારે સરકાર આ ડ્યુટી ઘટાડે છે ત્યારે વાસ્તવિક રીતે સરકારની આવકમાં વધારો થાય છે. ગુજરાતમાં અત્યારે સ્ટેમ્પડ્યુટીના દર 4.9 ટકા છે અને એક ટકા રજીસ્ટ્રેશન ચાર્જ લેવામાં આવે છે. એટલે કે દસ્તાવેજ કરતી વખતે કુલ 5.9 ટકા લેખે ચાર્જ ભરવો પડે છે. આ દરમાં 50 ટકા ઘટાડો કરવાની માગણી છે.
ગાહેડના પ્રમુખે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે તાજેતરમાં જ રિયલ એસ્ટેટને વેગ આપતા અનેક પ્રોત્સાહનો જાહેર કર્યાં છે પરંતુ જો સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવશે તો તેનાથી ગ્રાહકોને ઘણો લાભ થશે. અનેક વખત એવું બનતું હોય છે કે એફોર્ડેબલ હાઉસિંગમાં મકાન ખરીદતા ગ્રાહકો પાસે છેલ્લે દસ્તાવેજ કરવાના નાણાં પણ હોતા નથી તેથી જો સ્ટેમ્પડ્યૂટી ઘટશે તો આવા બાકી રહેલા અનેક દસ્તાવેજ થશે અને સરકારની આવક પણ વધશે અને રિયલ એસ્ટેટ ઉદ્યોગને પણ વેગ મળશે. રિયલ એસ્ટેટ સાથે અન્ય 280 જેટલા ઉદ્યોગો સંકળાયેલા છે તેમને પણ મદદ મળશે.