કોરોના સંક્રમણના આટલી મોટી સંખ્યામાં કેસો જોતાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું છે પરંતુ ગુજરાત સરકાર હજી તે માનવા તૈયાર નથી જ્યારે કેરાલા રાજ્યમાં ગુજરાત કરતાં ઓછા કેસ હોવા છતાં મુખ્યમંત્રીએ કહ્યું છે કે અમારા રાજ્યમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું છે. સમગ્ર દેશમાં કેરાલા રાજ્યએ તેને સૌ પ્રથમ કોમ્યુનિટી ટ્રાન્સમિશન ડિક્લેર કર્યું છે.
આજે નહીં તો કાલે ગુજરાત, મહારાષ્ટ્, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યો કે જ્યાં કોરોના કેસોની સંખ્યા પ્રતિદિન 1000ને પાર ગઇ છે ત્યાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન જાહેર કરવું પડશે, એટલે કે લોકો માટે તે રેડએલર્ટ છે. કોમ્યુનિટી ટ્રાન્સમિશન એટલે કે ઘરે ઘરે કોરોનાના કેસ જોવા મળી શકે છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરાની સ્થિતિ ગંભીર બની રહી છે તેમ છતાં કોમ્યુનિટી ટ્રાન્શમિશન શરૂ થયું હોવાનો સરકાર ઇન્કાર કરી રહી છે. હવે અમદાવાદના પૂર્વ વિસ્તારની સરખામણીમાં પશ્ચિમ વિસ્તારમાં કેસોનું પ્રમાણ વધી રહ્યુ છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનનો દાવો છે કે,અમદાવાદમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ચૂક્યુ છે. નિષ્ણાતોનું માનવું છે કે, માસ્ક અને સોશિયલ ડિસટન્સ પ્રત્યેની બેદરકારી અમદાવાદીઓને ભારે પડી શકે છે.
ગુજરાતમાં આજે રોજ એક હજારથી વધુ કોરોનાના કેસો નોધાઇ રહ્યાં છે.હાલમાં સુરત કોરોનાનુ એપી સેન્ટર બન્યુ છે પણ અમદાવાદમાં ય કોરોના કાબુમાં આવ્યો નથી. અમદાવાદમાં આજેય હોસ્પિટલોમાં દર્દીઓથી બેડ ભરાયેલાં છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો.મોના દેસાઇનું કહેવું છે કે, અમદાવાદમાં કોરોનાનો ખતરો વધ્યો છે કેમકે, કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ચૂક્યુ છે. એક જ ઘરના બધાય પરિવાર કોરોનાગ્રસ્ત બની રહ્યાં છે.
કોરોના સંક્રમિત લોકો જ સુપરસ્પ્રેડર બની રહ્યાં છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં ટેસ્ટનુ પ્રમાણ ઓછુ છે પરિણામે જો કોરોનાને અંકુશમાં લેવો હોય તો ટેસ્ટનું પ્રમાણ વધારવુ જ જોઇએ. એટલું જ નહીં, કોરોનાને કાબુમાં લેવા રાજ્ય સરકારે નવું મોડેલ બનાવવું પડશે.
અમદાવાદમાં પૂર્વમાં કેસોનું પ્રમાણ ઘટયું છે જયારે પશ્ચિમમાં કેસોનું પ્રમાણ વધ્યુ છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યમાં કેસો વધી રહ્યાં છે જે ચિંતાજનક છે તેવો ઉલ્લેખ કરતાં સિવિલના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ ડો.એમ.એમ.પ્રભાકર કહે છે કે, કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ચૂક્યુ છે તે વાત સાચી છે, જો કે અમદાવાદ શહેરના મધ્ય-પૂર્વ વિસ્તારમાં કેસો ઘટયાં છે. 1200 બેડની મેડીસીટીમાં આજે માત્ર 325 જ દર્દીઓ છે.