ગુજરાતમાં ખરીફ સિઝનમાં ખેડૂતોએ વિનાસંકોચે વાવેતર શરૂ કરી દીધું છે. હજી વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ 75 લાખ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. આ વખતે ખરીફમાં ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે ખેડૂતોએ તમાકુ વાવી નથી. માત્ર 300 હેક્ટર જમીનમાં તમાકુનું વાવેતર થયું છે, જે અગાઉના વર્ષોમાં 2000 હેક્ટર જેટલા વિસ્તારમાં થતું હતું. કોરોના સંક્રમણના સમયમાં ખેડૂતોએ તમાકુથી મ્હોં ફેરવી લીધું છે.
રાજ્યમાં પાંચ ઝોન પ્રમાણે વાવેતરના આંકડા જોઇએ તો સૌથી વધુ 37.99 લાખ હેક્ટર વિસ્તારમાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ વાવેતર કર્યું છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદની શરૂઆત સૌરાષ્ટ્રથી થઇ હોવાથી ત્યાં વાવેતર વિસ્તાર વધ્યો છે. બીજા અને ત્રીજાક્રમે ઉત્તર અને મધ્ય ગુજરાત આવે છે, જ્યારે સૌથી ઓછું દક્ષિણ ગુજરાતમાં વાવેતર જોવા મળ્યું છે. એકલા કચ્છ જિલ્લામાં વાવેતરનો આંકડો પાંચ લાખ હેક્ટર થવા જઇ રહ્યો છે.
ઝોન પ્રમાણે —– હેક્ટર
ઉત્તર ગુજરાત —– 13,36,800
મધ્ય ગુજરાત —– 13,54,400
સૌરાષ્ટ્ર —– 37,99,200
દક્ષિણ ગુજરાત —– 5,96,300
કચ્છ —– 4,65,500
રાજ્યનું કુલ —– 74,92,200
ગુજરાતના ખેડૂતો પાક પેટર્ન બદલી રહ્યાં છે તેનો સીધો ખ્યાલ વિવિધ પાકના વાવેતરથી આવે છે. કૃષિ અધિકારીએ કહ્યું હતું કે આજે પણ ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ કપાસ છે. 8મી ઓગષ્ટ સુધીમાં ગુજરાતના ખેડૂતોએ 22.48 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું છે. બીજાક્રમે 20.46 લાખ હેક્ટર સાથે મગફળીનો ક્રમ આવે છે. આ વખતે મધ્ય ગુજરાતના બાદ કરતાં તમાકુનું વાવેતર ક્યાંય થયું નથી. એખ સમય હતો કે તમાકુ ઉત્તર ગુજરાતમાં પણ વવાતી હતી પરંતુ આ વખતે શૂન્ય વાવેતર છે.
પાક —– હેક્ટર
મગફળી —– 2046400
>કપાસ —– 2248100
દિવેલા —– 186600
શાકભાજી —– 195900
ડાંગર —– 623500
બાજરી —– 180400
જુવાર —– 23300
મકાઇ —– 279200
મગ —– 81800
મઠ —– 12200
તલ —– 129900
સોયાબીન —– 148200
તમાકુ —– 300
ગુવાર —– 102500
ઘાસચારો —– 931300
>ખરીફ સિઝનમાં શાકભાજીનું વાવેતર સારૂં થયું છે. આખા રાજ્યમાં 195900 હેક્ટર વિસ્તારમાં શાકભાજી વાવવામાં આવ્યા છે. ખેડૂતો અને પશુપાલકોએ 931300 હેક્ટરમાં ઘાસચારાનું પણ વાવેતર કર્યું છે જેના કારણે પશુઓને પુરતો ઘાસચારો મળી રહે. સોયાબીનનું વાવેતર 148200 હેક્ટર વિસ્તારમાં થયું છે.