ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ-1માં ખાનગી સ્કૂલોમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના આદેશ પ્રમાણે રાજ્યની પ્રત્યેક સ્કૂલમાં 25 ટકા બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવાનો થાય છે.
કાયદાની જોગવાઇ પ્રમાણે ગરીબ પરિવારના બાળકો પાસેથી કોઇપણ શિક્ષણ સંસ્થા ફી ઉઘરાવી શકશે નહીં. તેમને વિનામૂલ્યે પ્રવેશ આપવાનો થાય છે. રાજ્યના જે ગરીબ પરિવારો તેમના બાળકોને ખાનગી સ્કૂલોમાં ધોરણ-1માં પ્રવેશ કરાવવા માગતા હોય તેમણે 19 થી 29 ઓગષ્ટ સુધી rte.orpgujarat.com નામની વેબસાઇટ પર આવેદન કરવાનું રહેશે.
આદેશમાં જણાવવામાં આવ્યું છે કે 31મી ઓગસ્ટથી 7મી સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મની ચકાસણી કરી એપ્રૂવ કે રીજેક્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે અને પ્રવેશ પ્રક્રિયામાં 11 સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે. આ કાયદા પ્રમાણે અગ્રતાના ધોરણે પ્રવેશ આપવાનો થાય છે.
આરટીઇ હેઠળ નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવશે, જેમાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક, બાલ ગૃહના બાળકો, બાળમજૂર કે સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદ બુદ્ધિ કે સેરેબલ પાલ્સી ધરાવતા બાળકો, શહીદ થયેલા લશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો સહિત જુદી-જુદી 13 કેટેગરી રાખવામાં આવી છે જે તમામ માહિતી વેબસાઈટ પર મૂકવામાં આવેલી છે.
ગરીબ પરિવારના બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ રૂપિયાની આવક મર્યાદા લાગુ પડશે. 19મી ઓગષ્ટથી બાળકો માટે ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે. પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 11મી સપ્ટેમ્બરે શરૂ થશે.