ગુજરાતમાં વારેવારે ચઢી આવતાં તીડના ટોળાંને કાબૂમાં લેવા માટે પહેલાં કૃષિ વિભાગ વાહન અને સ્પ્રેના સાધનોની ખરીદી કરતું હતું પરંતુ કૃષિ વિભાગે આ જવાબદારીને આઉટસોર્સિંગથી પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં પાકિસ્તાન અને ઓમાન તરફથી ત્રણ ત્રણ વખત તીડના ટોળાં આવી ચૂક્યાં છે અને ખેડૂતોના પાકને અસહ્ય નુકશાન કર્યું છે.
કૃષિ વિભાગના ઉપસચિવ ભાવિતા રાઠોડ તરફથી બહાર પાડવામાં આવેલા એક આદેશમાં જણાવવામાં આવ્યું ચે કે તીડ નિયંત્રણની કામગીરી અર્થે વાહન અને સ્પ્રે ઇક્વિપમેન્ટ સેટ સાથેના યુનિટની આઉટસોર્સ સેવા લેવા માટે સરકારે ભંડોળ મંજૂર કર્યું છે તેથી હવે કૃષિ વિભાગ આવા સાધનો ખરીદ કરશે નહીં પરંતુ તેની કામગીરી આઉટસોર્સિંગથી કરશે.
રાજ્યમાં તીડ પ્રભાવિત વિસ્તારો જેવાં કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તીડ નિયંત્રણ અંગેની જરૂરી મશીનરી સહિતના વાહનો તથા આનુષાંગિક કાર્યવાહી સંપૂર્ણપણે આઉટસોર્સિંગથી કરવાની રહેશે. તીડના ટોળાંને ભગાડવા માટે જે વાહન ભાડે લેવામાં આવે તેને મહિને 2500 કિલોમીટર અને વાહનચાલક સાથે 34000 પ્રતિ માસ ખર્ચની જોગવાઇ કરવામાં આવશે.
કૃષિ વિભાગના આદેશ પ્રમાણે વાહન અને વાહનચાલક સાથેની સુવિધા આઉટસોર્સિંગથી ભાડે રાખવાની રહેશે. જે એજન્સી પાસેથી વાહનો ભાડે લેવાં આવે તેવા વાહનનો વીમો નિયમિત ભરાયેલો છે કે કેમ તેની ચકાસણી કરવાની રહેશે. જે એજન્સી પાસેથી વાહન ભાડે રાખવામાં આવે તેણે ટોલ ટેક્સ ભરવો પડશે. વાહન ભાડે લેવા માટે સ્થાનિક ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરો પાસેથી સ્પર્ધાત્મક ભાવ મેળવી ઓછા ભાવ ભરતી એજન્સી પાસેથી વાહનો ભાડે લેવાના રહેશે.
આ વાહનો સ્પ્રે ઇક્વિપમેન્ટ સેટ તેમજ અન્ય સાધનોથી સજ્જ હોવા જોઇએ અને તેની મંજૂરી સંયુક્ત ખેતી નિયામકની ભલામણ પ્રમાણે સહ ખેતી નિયામક પાસેથી મેળવવી પડશે. આ ખર્ચના નાણાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ચૂકવશે.ગુજરાતમાં આ વર્ષે કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં તીડના ટોળાંએ ખેતરો બરબાદ કર્યાં છે. આ વખતે કૃષિ વિભાગે સાધનો ખરીદીને તીડને ભગાડવાની કાર્યવાહી કરી હતી પરંતુ હવે જ્યારે તીડનો હુમલો થાય ત્યારે આ કામગીરી આઉટસોર્સિંગથી કરવામાં આવશે.