ભારત અને ગુજરાતમાં કોરોના સંક્રમણના સમયમાં કાર અને બાઇકના વેચાણમાં ઘટાડો નોંધાતાં ઓટો કંપનીઓએ તેમના ઉત્પાદન એક્સપાન્સનને હાલ મુલત્વી રાખ્યાં છે. ગુજરાતમાં વિરમગામ પાસેના વિઠ્ઠલાપુર પાસે આવેલા હીરોહોન્ડાના ઉત્પાદન એકમમાં પણ આવો નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશની બીજાક્રમની સૌથી મોટી મોટી દ્વિચક્રી વાહન ઉત્પાદક કંપની હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા કોરોના સંક્રમણ વચ્ચે સ્થાનિક બજારમાં નબળી માંગને ધ્યાનમાં રાખી ગુજરાતમાં વિઠ્ઠલાપુર ખાતે તેની ત્રીજી એસેમ્બલી લાઇન હમણાં શરૂ નહીં કરે.
કંપનીએ આ પ્લાન્ટમાં 6 લાખ એકમ સુધીની ક્ષમતા વિસ્તરણ માટે 630 કરોડનું રોકાણ કર્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે વધારાની એસેમ્બલી લાઇનનું બાંધકામ પૂરું થઈ ગયું છે, તેનો પ્રારંભ બજાર માંગની સ્થિતિને ધ્યાનમાં રાખી કરવામાં આવશે. આ વધારાની ક્ષમતા અગાઉ 2020માં શરૂ થવાની હતી અને કંપની આ પ્લાન્ટમાં વાર્ષિક 12 લાખ વાહનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
આ કંપની હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક અને ગુજરાતમાં તેના ચાર પ્લાન્ટમાં થઈને 64 લાખ એકમની ક્ષમતા ધરાવે છે. દેશમાં લોકડાઉનના સમયમાં વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે જ્યારે અનલોક-2માં વેચાણ વધવાની ઓટો કંપનીઓને આશા છે છતાં તેમના એક્સપાન્સન પ્લાન હમણાં શરૂ કરે તેવી કોઇ શક્યતા દેખાતી નથી.
જો કે બજારના સર્વે પ્રમાણે દ્વિચક્રી વાહનોના સેગમેન્ટમાં પ્રથમ વખત ખરીદનારાઓની ટકાવારી અગાઉના 60 ટકાથી વધી 70 ટકા થઇ ગઈ હતી. આ બાબત પણ વધુ એક મોટો ફેરફાર દર્શાવે છે. હીરોહોન્ડા કંપનીએ મેમાં 1.15 લાખ દ્વિચક્રી વાહન અને જૂનમાં ત્રણ લાખ વાહનનું વેચાણ કર્યું છે.