ભારતમાં 20 મિલિયન મકાનોની આવશ્યકતા છે ત્યારે 10.5 મિલિયન મકાનો ખાલી પડ્યા છે. આ મકાનોમાં હાલ કોઇ વસવાટ નથી. ગુજરાતના આંકડા જોઇએ તો તેની સંખ્યા 28 લાખ થવા જાય છે. સરકાર નબળાં વર્ગો માટે નાનકડાં મકાનો બનાવી રહી છે ત્યારે મધ્યમ વર્ગ માટે બનાવવામાં આવેલા આ મકાનોમાં વસવાટ થાય તે પણ જરૂરી છે. અબજો રૂપિયાની આ પ્રોપર્ટી વેચાયા વિનાની પડી રહી છે અથવા તો તેનો કોઇ ઉપયોગ નથી.
ગુજરાતમાં રહેવા લાયક કહી શકાય તેવા મકાનોની સંખ્યા 1.85 કરોડ છે જે પૈકી 28 લાખ ઘરમાં પરિવારનો વસવાટ નથી. આશ્ચર્યની બાબત એવી છે કે 1.20 કરોડ મકાનોમાં પરિવારો રહે છે એટલે કે તે વસવાટને યોગ્ય છે. ગુજરાતમાં દુકાન અને કચેરી હોય તેવી પ્રોપર્ટીની સંખ્યા 14 લાખ છે. એક લાખ જેટલી સ્કૂલોને મકાન છે. 42000 હોસ્પિટલ કે દવાખાનાના આવાસ છે. 1.90 લાખ તો ધાર્મિક સ્થાનો છે.
ગુજરાતની આ સ્થિતિ ચોંકાવનારી છે. ગામડાં કરતાં શહેરોમાં વસવાટ વિનાના મકાનોની સંખ્યા વધુ જોવા મળી છે. કહી શકાય કે રાજ્યમાં અંદાજે 15 ટકા મકાનોમાં વસવાટ કે બિઝનેસ નથી. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં સૌથી વધુ મકાનો ખાલી છે. 22 લાખ પૈકી 3.50 લાખ મકાનો ખાલી પડ્યા છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મોટાપાયે મકાનો ખાલી પડ્યા છે તેનું મુખ્ય કારણ ટેક્સટાઇલ મિલો પણ છે. 1990ની સાલ બાદ મિલો બંધ થતાં માઇગ્રેટ કામદારો શહેર છોડીને નીકળી ગયા હતા. તેમજ કોમી રમખાણો બાદ પણ પૂર્વ વિસ્તારમાંથી મોટા પાયે મકાનો ખાલી કરી દીધા હતા. તેની અસર પ્રોપર્ટીના વેચાણ પર પણ પડી છે. અમદાવાદ પછી સુરત એવું શહેર છે કે જ્યાં 3.10 લાખ મકાનો ખાલી છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરનું ડેવલપમેન્ટ ફાસ્ટ છે. ઉભરતું શહેર છે છતાં આ શહેરમાં 70,000 આવાસોમાં વસવાટ નથી જેમાં સરકારી આવાસોનો પણ સમાવેશ થાય છે.
રસપ્રદ બાબત એવી છે કે ધાર્મિક સ્થળોની સંખ્યા સમગ્ર ગુજરાત પૈકી અમદાવાદમાં સૌથી વધુ છે. અમદાવાદમાં 18000 ધાર્મિક સ્થળો આવેલા છે જે પૈકી 10,000 તો એકલા અમદાવાદ શહેરમાં છે. રાજ્યના અન્ય વિસ્તારો જેવાં કે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગરમાં 11000 કરતાં વધુ ધાર્મિક સ્થળો આવેલા છે.