કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે રાજ્યના કૃષિ વિભાગના આંકડા દર્શાવે છે કે ગયા વર્ષ કરતાં ઉનાળું વાવેતરનો વિસ્તાર વધ્યો છે તેથી પાક ઉત્પાદન પણ બમ્પર થાય તેવી સંભાવના છે. 13મી જુલાઇની સ્થિતિએ ગુજરાતમાં 5737951 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 67.58 ટકા વાવેતર થયું છે
રાજ્યમાં ધાન્ય પાકોનું વાવેતર 551728 હેક્ટર વિસ્તારમાં થયું છે જે 40.79 ટકા છે. કઠોળ પાકોનું વાવેતર 231350 હેક્ટરમાં એટલે કે 49.06 ટકા, તેલીબીયાં પાકોમાં 2200967 હેક્ટર એટલે કે 92.02 ટકા અને અન્ય પાકોમાં 2753906 હેક્ટર એટલે કે 64.44 ટકા વિસ્તારમાં થયું છે.
રાજ્યમાં આ વર્ષે મગફળીના વાવેતર વિસ્તારે 127.94 ટકાનો વિક્રમ સર્જી દીધો છે. રાજ્યના ખેડૂતોએ 1970399 હેક્ટર વિસ્તારમાં મગફળી વાવી છે. ખેડૂતો આ પાકને રોકડિયો પાક માને છે. જો કે બીજો રોકડિયો પાક કપાસ છે. કપાસનું વાવેતર 2033487 હેક્ટર વિસ્તારમાં થયું છે જે 76.05 ટકા છે. આ પાકમાં હજી વાવેતર વિસ્તાર વધવાની સંભાવના છે.
ગયા વર્ષે ખરીફ સિઝનમાં કપાસનું વાવેતર 2673892 હેક્ટર વિસ્તારમાં હતું જ્યારે મગફળીનું વાવેતર 1540078 હેક્ટર વિસ્તારમાં છે જે ગયા વર્ષ કરતાં 27.94 ટકા વધારે છે. સોયાબીનનું વાવેતર પણ 131483 હેક્ટર સાથે 107.79 ટકા થયું છે.ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે ખેડૂતોએ કપાસનું વાવેતર ઘટાડી દીધું છે. ગયા વર્ષે 55231 હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું હતું જે ચાલુ વર્ષે માત્ર 55 હેક્ટર વિસ્તારમાં જોવા મળે છે.
ખેડૂતોએ 137989 હેક્ટર વિસ્તારમાં શાકભાજી તેમજ 546818 હેક્ટર વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર કર્યું છે. આ વખતે મકાઇનો વાવેતર વિસ્તાર 236430 હેક્ટર થયો છે જેમાં હજી વધારે વાવેતર થવાની સંભાવના છે. ખેડૂતોએ 138505 હેક્ટર વિસ્તારમાં તુવેરનું વાવેતર કર્યું છે.રાજ્યમાં નોર્મલ વાવેતર વિસ્તાર એટલે કે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ 8490070 હેક્ટરની રહી છે. ગયા વર્ષે આ સમયમાં એટલે કે 13મી જુલાઇ સુધીમાં 4879785 હેક્ટર વિસ્તારમાં વાવેતર કર્યું હતું જે આ વર્ષે વધીને 5737951 હેક્ટર વિસ્તારમાં થયું છે. જો કે હજી વાવેતર વિસ્તાર વધી રહ્યો છે.