ગાંધીનગર — ગુજરાતમાં ચોમાસા અને વરસાદનીપેટર્ન બદલાઇ છે. પહેલાં ડાંગ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થતો હતો જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ જોવા મળતો હતો પરંતુ છેલ્લા 15 વર્ષથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે વરસાદ પડે છે અને ડાંગમાં ઓછો વરસાદ જોવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગની આ અસર હોવાનું હવામાન નિષ્ણાંતો માની રહ્યાં છે.
ધંધુકામાં એક કહેવત હતી કે દિકરીને ગોળીએ દેજો પણ ધંધુકે ના દેતા… સુરેન્દ્રનગર અને કચ્છ એવા બે જિલ્લા હતા કે જ્યાં વરસાદની હંમેશા ખેંચ રહ્યાં કરતી હતી. આજે સ્થિત એવી છે કે સૂકા રણમાં વધારે વરસાદ પડી રહ્યો છે. સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં છેલ્લા બાર વર્ષથી પાણીની ખેંચ અનુભવાઇ નથી. મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર ઓછું થયું છે જ્યારે ઉત્તર ગુજરાતમાં વધ્યું છે. બનાસકાંઠા અડધો રણ પ્રદેશ છે અને ઉનાળામાં પાણીની સખ્ત ખેંચ રહેતી હતી. કૂવા અને બોરના તળ પણ ઉંડા જતા રહ્યાં હોવાથી પાણી મેળવવું દોહ્યલું બની ગયું હતું પરંતુ હવે આ જિલ્લામાં વરસાદ તો પડી રહ્યો છે, પૂર પણ આવી રહ્યાં છે.
કચ્છ જિલ્લાના વરસાદની સરેરાશ જોઇએ તો આખા જિલ્લામાં 412 મીમી વરસાદ પડતો હોય છે પરંતુ આ વર્ષે 933 મીમી વરસાદ વરસ્યો છે. મુંદ્રામાં સરેરાશ 470 મીમી અને માંડવીમાં 426 મીમી વરસાદ પડતો હોય છે પરંતુ આ વર્ષે 1163 મીમી અને 1451 મીમી વરસાદ પડ્યો છે. બીજી તરફ ડાંગ-આહવામાં 2335 મીમીની એવરેજ સામે આ વર્ષે માત્ર 1266 મીમી વરસાદ થયો છે. વલસાડના ધરમપુરમાં 2477 મીમીની સામે 1589 મીમી તેમજ કપરાડામાં 2816 મીમીની સામે 1751 મીમી વરસાદ નોંધાયો છે.
કપરાડા એટલે ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં પડતો હોય છે. તેના પછી ડાંગના વઘઇમાં એવરેજ 2497 મીમીની છે પરંતુ આ વર્ષે માત્ર 1522 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદની આ એવરેજ 1990 થી 2019ની ગણવામાં આવે છે.
ગુજરાતના ઇસ્ટ સેન્ટ્રલ ઝોનમાં વરસાદની એવરેજ 819 મીમીની છે જેની સામે આ વર્ષે 668 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે મધ્ય ગુજરાતમાં વર્ષાનું જોર ઘટ્યું છે. સૌરાષ્ટ્રમાં 677 મીમીની એવરેજ સામે 980 મીમી વરસાદ થયો છે, એટલે કે સૌરાષ્ટ્રમાં આ વર્ષે વધુ વરસાદ થયો છે. ગુજરાતમાં ચોમાસાનું હવામાન અને પેટર્ન બદલાઇ ચૂકી છે જેથી ખેડૂતોને પાક પેટર્ન બદલવી પડે તેવી હાલત ઉભી થઇ છે. ક્લાયમેટ ઝોનની અસરમાં એવા જિલ્લા અને તાલુકા આવી ગયા છે કે કૃષિ તજજ્ઞોની ભણામણ પ્રમાણે જો ખેતીની પેટર્ન નહીં બદલાય તો ખેડૂતોને મોટું નુકશાન થવા સંભવ છે.