ગુજરાતમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના કારણે રાજ્યમાં વિવિધ જગ્યાએ જંગલ વિસ્તારની બહાર છેલ્લા 13 વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં 37 ટકા જેટલો વિક્રમી વધારો થયો છે. રાજ્યના વન વિભાગના આંકડા પ્રમાણે 2004માં 25.10 કોરડ વૃક્ષો હતા તે વધીને આ સમયગાળામાં 34.35 કરોડ થયાં છે. આ વૃક્ષોની સંખ્યા જંગલનો ભાગ નથી.
રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડીકે શર્માએ કહ્યું હતું કે ગુજરાત સરકાર દર વર્ષે વન મહોત્સવ યોજીને 10 કરોડ જેટલા રોપાંઓનું વિતરણ કરે છે. એ હકીકત છે કે માર્ગ કે વિકાસની યોજનામાં વૃક્ષોનું છેદન થાય છે અને હજારો વૃક્ષોને કાપી નાંખવામાં આવે છે પરંતુ હવે સરકારના વન વિભાગે ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશનના સાધનો વસાવ્યા હોવાથી વૃક્ષોને બચાવી લેવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં વિભાગે 2200 જેટલા વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું છે.
ગુજરાત સરકારે અઢી કરોડના ખર્ચે ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન યંત્ર વસાવ્યું છે જે માર્ગો વચ્ચે નડતરરૂપ વૃક્ષોને બીજી જગ્યાએ પ્લાન્ટ કરે છે. જો કે ટ્રાન્સપ્લાન્ટેશનમાં વૃક્ષનો જીવિત રહેવાનો દર ખૂબ ઓછો હોવાનું જોવામાં આવ્યું છે. આ મશીનથી સૌ પ્રથમ ગાંધીનગર શહેરમાં વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું.
શરૂઆતમાં અનુભવના અભાવે વૃક્ષને ઉખેડીને લઇ જવામાં આવતાં અને બીજી જગ્યાએ રોપવામાં આવતા તે નાશ પામતું હતું પરંતુ હવે વૃક્ષને નવી ટેકનિક સાથે સાથે ઉખાડીને બીજી જગ્યાએ રોપવામાં આવે છે તેથી જીવિત રહી શકે છે. આ નવા મશીનની ખાસિયત એવી છે કે તે કોઇપણ જગ્યાએ સરળતાથી લઇ જઇ શકાય છે અને વૃક્ષને જમીન સાથે ઉખેડીને બીજી જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.