ગુજરાતમાં મલ્ટીપ્લેક્સ ખુલી ગયા છે પરંતુ કોરોના ગાઇડલાઇન પ્રમાણે એક સીટ છોડીને બેસવાની વ્યવસ્થાથી પરિવારો વ્યથિત છે તેથી સિનેમાગૃહોમાં આવવાનું ટાળી રહ્યાં છે. કેટલાક સિનેમાગૃહોમાં પાંચ થી દસ જેટલા પ્રેક્ષકો હોવાથી ફિલ્મના અનેક શો રદ્દ કરવા પડી રહ્યાં છે.
કોરોનાએ મનોરંજન આપતાં સિનેમાગૃહોની દશા ખરાબ કરી છે. એક ફિલ્મ ચલાવવાનો ખર્ચ પણ પોસાય તેમ નથી, કારણ કે પ્રેક્ષકો મળતાં નથી. 200ની કેપેસિટીવાળા સિનેગૃહમાં માત્ર 100 પ્રેક્ષકોને બેસાડી શકાય છે. કોરોના સંક્રમણના કારણે એક ફિલ્મમાં 50 પ્રેક્ષકો પણ મળતા નથી.
અમદાવાદના એક મલ્ટીપ્લેક્સના સંચાલક કહે છે કે પ્રેક્ષકો નહીં મળતાં હોવાથી અમે રોજના બે થી ત્રણ શો રદ્દ કરીએ છીએ. ઓછા પ્રેક્ષકોથી ફિલ્મ શરૂ કરવાથી ખર્ચને પહોંચી વળાય તેટલું વળતર પણ મળતું નથી. અમે પ્રેક્ષકો માટે પ્રોત્સાહન આપીએ છીએ પરંતુ હજી પરિવારો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે.
સિનેમાગૃહના બપોરના શો માં ખાસ કરીને કપલ જોવા આવતા હોય છે પરંતુ કપલને સાથે બેસવાની છૂટ નહીં હોવાથી હવે કપલ પણ ફિલ્મ જોવા આવતા નથી. પરિવારમાં પણ પતિ અને પત્નિ તેમજ બાળકોએ અલગ અલગ બેસવાનું હોવાથી પરિવારો પણ ટિકીટ બુકીંગ કરાવતા નથી. ગાંધીનગરના મલ્ટીપ્લેક્સના સંચાલક કહે છે કે ગયા માર્ચ મહિનાથી મલ્ટીપ્લેક્સ બંધ કર્યું છે અને ઓક્ટોબરમાં જ્યારથી શરૂ કર્યું છે ત્યારથી પ્રેક્ષકો મળતા નથી. અમે રોજના ત્રણ શો રદ્દ કરીએ છીએ.
સિનેમાગૃહોમાં છેલ્લા સાત મહિનાથી કોઇ નવી ફિલ્મ રિલીઝ થઇ નથી, કારણ કે નવી ફિલ્મોના શૂટીંગ પણ કોરોના સંક્રમણના કારણે અટકી પડ્યાં છે. મલ્ટીપ્લેક્સના એક સંચાલકે કહ્યું હતું કે કોરોના પહેલાં રાજ્યમાં 50 જેટલા નવા મલ્ટીપ્લેક્સ બની રહ્યાં હતા પરંતુ ઉદ્યોગો પર આફત આવતાં તેમણે તેમના પ્રોજેક્ટને માંડી વાળ્યા છે.