ગુજરાતમાં મહત્વના અને નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા પાંચ પ્રોજેક્ટ વિલંબથી ચાલી રહ્યાં છે. પહેલો પ્રોજેક્ટ અમદાવાદની મેટ્રોરેલનો છે જેમાં ધીમી ગતિની પ્રક્રિયા હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચનાઓ આપવી પડી છે. આ પ્રોજેક્ટ 2020માં પૂર્ણ થાય તે જોવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
બીજો પ્રોજેક્ટ ગાંધીનગરના રેલવે સ્ટેશન તેમજ તેની ઉપર બની રહેલી ફાઇવસ્ટાર હોટલનો છે. આ પ્રોજેક્ટમાં પણ વિલંબ થયો છે. હવે આ પ્રોજેક્ટને પણ 2020માં પૂરો કરવા રેલવે મંત્રાલય અને તેની બનાવેલી કંપનીને કહેવાયું છે.
ત્રીજો પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો છે. આ પ્રોજેક્ટ 2023માં પૂર્ણ કરવા કેન્દ્ર સરકારે કહ્યું છે. અમદાવાદની જેમ ગાંધીનગર અને સુરતને મેટ્રોરેલ આપવા માટેના પ્રોજેક્ટમાં પણ ભારે વિલંબ થયો છે. ગાંધીનગર મેટ્રોરેલને અમદાવાદની મેટ્રોરેલનો બીજો તબક્કો કહેવામાં આવે છે.
આ પાંચ પ્રોજેક્ટમાં કુલ મૂડીરોકાણ 141600 કરોડના છે. બે પ્રોજેક્ટ – અમદાવાદની મેટ્રોરેલ અને બુલેટ ટ્રેનમાં તો વિદેશી સરકારોની લોનનો લાભ લેવામાં આવી રહ્યો છે જ્યારે સુરતની મેટ્રો માટે જર્મની, જાપાન અને ફ્રાન્સ પાસેથી સહાય માગવામાં આવી છે.
લોન મળે છે પરંતુ કામગીરી ધીમી હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર નારાજ હોવાનું સામે આવ્યું છે પરિણામે મુખ્યમંત્રીને અવાર નવાર સમીક્ષા બેઠક કરવી પડે છે.