ગુજરાતમાં કોરોના સંક્રમણ વચ્ચે વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું અત્યુતમ કેશવમ થાય તેવી સંજોગો ઉભા થયાં છે. આમ પણ સરકારે હજી સુધી વાયબ્રન્ટ સમિટ 2021નો લોગો તેની સત્તાવાર વેબસાઇટ પર લગાવ્યો નથી. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ 2011 પૂર્ણ થયા પછી બીજા દિવસે ગુજરાત સરકારની વાયબ્રન્ટ વેબસાઇટ ઉપર વાયબ્રન્ટ સમિટ 2013નો લોગો લાગી ચૂક્યો હતો પરંતુ રાજ્યમાં છેલ્લી વાયબ્રન્ટ સમિટ 2019 પૂર્ણ થયાને દોઢ વર્ષ થઇ ચૂક્યું છે છતાં વાયબ્રન્ટ ગુજરાત 2021નો લોગો લગાવવામાં આવ્યો નથી.
સરકારી આ વેબસાઇટ પર હજી પણ 2019ની વાયબ્રન્ટ સમિટના બ્રોશર અને ટ્રેડ શો માં હિસ્સો લેવા માટેના ફોર્મ જેવી જૂની વિગતો જોવા મળે છે. આ પહેલાં વેબસાઇટ પર અપકમીંગ સેમિનાર કે એક્ઝિબિશનની વિગતો મૂકવામાં આવતી હતી હવે તે સેક્શન બંધ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયબ્રન્ટ સમિટ 2019ના સમાપન દિવસે મહાત્મા મંદિરના વિશાળ કોર્પોરેટ મંચ પરથી જાહેરાત કરી હતી કે “આપણે હવે પછી 2021માં આ જગ્યાએ ફરી મળીશું…” મુખ્યમંત્રીની આ જાહેરાત પછી પણ ઉદ્યોગ વિભાગે વાયબ્રન્ટ સમિટની વેબસાઇટ સુધારવાની તસદી લીધી નથી.
આ વેબસાઇટમાં 2017ના ડેટા તો ઉપલબ્ધ છે પરંતુ 2019ના ડેટા હજી સુધી મૂકવામાં આવ્યા નથી. ઉદ્યોગ વિભાગના એક નિવૃત્ત અધિકારીએ કહ્યું હતું કે– સરકારી તંત્ર કાર્યક્રમ પૂર્ણ થયા પછી રોડ પરના બેનરો અને કમાનો મહિનાઓ સુધી હટાવી શકતી નથી તો વેબસાઇટમાં અપડેશન કેવી રીતે આવી શકે. સરકારની 75 ટકા વેબસાઇટ્સ પર જૂના ડેટા દર્શાવાઇ રહ્યાં છે, બદલાય છે માત્ર તારીખ…
કોરોના સંક્રમણ જો લાંબુ ચાલ્યું તો વાયબ્રન્ટ સમિટ 2021 થવી મુશ્કેલ છે. રાજ્યના ઉદ્યોગ વિભાગે જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ રદ્દ કરવાનો અત્યારે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કેમ કે હજી પાંચ મહિનાનો સમય છે. આ પાંચ મહિનામાં જો કોરોના સંક્રમણના કેસો શૂન્ય થઇ જશે તો સરકારે વાયબ્રન્ટ સમિટ યોજશે અને કોરોના સંક્રમણ વધુ ફેલાશે તો આ સમિટ રદ્દ થવાની શક્યતા વધારે જણાય છે.