એક તરફ ગુજરાતી ફિલ્મોની સ્થિતિ કપરી બનતી જાય છે ત્યારે સરકાર જે સબસીડી આપે છે તેમાં પણ કૌભાંડ થઇ રહ્યાં છે. માનિતાને સબસીડી આપવાનું અને અન્યને ઠેંગો જેવી નીતિ સામે ફિલ્મના નિર્માતા ખુદ સરકારની સામે પડ્યાં છે. ગુજરાતી ફિલ્મોને આપવામાં આવતી સબસીડીમાં ચાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાની એક પિટીશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આવા દાવો ખુદ ગુજરાતી ફિલ્મ નિર્માતાએ કર્યો છે.
ગુજરાતી ફિલ્મો બનાવતા ફિલ્મ નિર્માતા મનોજ પટેલે એવો આરોપ મૂક્યો છે કે ગુજરાતમાં ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવામાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડ બાબતે તપાસ શરૂ કરવા અને સચોટ માહિતી બહાર લાવવા માટે તેમણે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. તેમનું કહેવું છે કે કોરોના સંક્રમણના સમયમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ મરી પરવાર્યો છે અને બીજી તરફ આર્થિક મંદીનું જોર છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે.
તેમણે કહ્યું છે કે ગુજરાતી ફિલ્મોને રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ તરફથી સબસીડી આપવામાં આવતી હોય છે. આ વિભાગમાં કરવામાં આવેલી આરટીઆઇમાં ગુજરાતી ફિલ્મની ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ 2016 અને 2019માં અપાતી આર્થિક સહાયની રકમમાં છબરડો બહાર આવ્યો છે.
તેમણે જણાવ્યું છે કે પ્રોત્સાહક નીતિ 2016 હેઠળ આવતી 18 જેટલી ગુજરાતી ફિલ્મોને જૂની નીતિ પ્રમાણેની સબસીડી ચૂકવવાના બદલે નવી પ્રોત્સાહક નીતિ 2019 હેઠળ ચૂકવી દેવામાં આવી છે. જૂની નીતિની ફિલ્મોને નવી નીતિ પ્રમાણે સબસીડી ચૂકવી શકાય નહીં તેમ છતાં ચાર કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવી દેવામાં આવી છે.
આરટીઆઇમાં માગવામાં આવેલી માહિતી પ્રમાણે ડિસેમ્બર 2019માં 18 ફિલ્મોને સબસીડીના નાણાં ચૂકવાયા હતા પરંતુ આ 18 ફિલ્મો 2016, 2017 અને 2018માં રિલીઝ થઇ ચૂકી હતી. રાજ્ય સરકારે નવી પ્રોત્સાહક નીતિ 8મી માર્ચ 2019ના રોજ જાહેર કરી હતી અને તેનો અમલ કર્યો હતો. આ નીતિમાં ઉલ્લેખ છે કે નવી સબસીડી નીતિના ઠરાવ બહાર પાડ્યાની તારીખ એટલે કે 8મી માર્ચ 2019માં અમલી બનશે તેમ છતાં 18 ફિલ્મોને સબસીડી મળી છે.
આ ગુજરાતી ફિલ્મો પૈકી કેટલીક અન્ય ભાષાની રિમેક સ્વરૂપે બનાવવામાં આવી હતી. આ ઉપરાંત જૂની ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ 2016ના ઠરાવના આધારે આવી અન્ય ભાષાની રિમેક ફિલ્મોને સબસીડી મળવાપાત્ર નહીં હોવા છતાં આપી દેવામાં આવી છે. આ આરટીઆઇના જવાબના આધારે મનોજ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી છે.