ગાંધીનગર — જીએસટી કાયદા પ્રમાણે કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યોને લેવાના થતાં વળતર સંદર્ભે બે વિકલ્પો આપવામાં આવ્યા હોવાનું રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે કહ્યું છે. તેમણે કહ્યું છે કે મોટાભાગના રાજ્યોએ કેન્દ્રને લોન મેળવી લોનની રકમમાંથી વળતર ચૂકવવા સૂચવ્યું છે. બીજી તરફ લોનની રકમ અને વ્યાજ કેન્દ્ર સરકારે થતી સેસની આવકમાંથી ચૂકવવી અને જરૂર પડ્યે સેસ ઉઘરાવવાની મુદ્દત પણ લંબાવવા સૂચન કર્યું છે.
નાણાંમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, દેશમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે લોકડાઉન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થયો છે. અનલોક થતાં વેપાર ઉદ્યોગ ધીમે ધીમે પૂર્વવત થઇ રહ્યો છે એવા સંજોગોમાં જીએસટી કાયદા અંતર્ગત કેન્દ્ર સરકાર પાસેથી તમામ રાજયોને લેવાનું થતું વળતર કેન્દ્ર સરકાર લોન લઇને ચૂકવી આપે એવું સૂચન મોટા ભાગના રાજ્યોએ કર્યુ છે.
ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનની ઉપસ્થિતિમાં યોજાયેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં તેઓ સહભાગી બન્યાં હતા. આ બેઠકમાં તમામ રાજ્યોની વળતર મેળવવા સંદર્ભે રજૂઆત હતી કે કેન્દ્ર સરકાર આ માટે લોન મેળવે અને લોનની રકમ આવે એ રકમ વિવિધ રાજયોને ચૂકવી આપે.
જીએસટીનું વળતર રાજ્ય એક સાથે તમામ રકમ મેળવવા માગતા હોય તો તે માટે કેન્દ્ર દ્વારા બે સૂચન કરાયા છે. જેમાં મંદીના કારણે આવક ઓછી થઈ હોય અને કોરોનાના કારણે આવક ઓછી થઈ હોય તો તે અંગે તમામ રાજ્યો પાછળથી વિચારીને અભિપ્રાય આપે એ જરૂરી છે.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના મહેસુલ સચિવ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્કમટેક્ષ અને મહેસૂલી આવકમાં ઘટાડો થયો છે એવું સ્પષ્ટ જણાવ્યું હતું. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજયોને બે દિવસમાં વિકલ્પ મોકલી અપાશે. એટલે જે તે રાજ્યો તેમની વસતી અને ખર્ચ મુજબ પોતાનો મત રજૂ કરશે. આગામી સાત દિવસમાં તમામ રાજ્યોએ પોતાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ કાઉન્સિલ એ વિકલ્પનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ રાજ્યોને સહાય આપવાનો યોગ્ય નિર્ણય કરશે.
કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજયોને વળતર પેટે અંદાજે ત્રણ લાખ કરોડ જેટલી રકમ આવનાર સમયમાં વળતર પેટે વિવિધ રાજયોને આપવાની થાય છે. ગુજરાતને પણ 12000 કરોડનું વળતર લેવાનું થાય છે. આ સંદર્ભે કાઉન્સિલે સૂચવ્યા મુજબ રાજ્યના નાણા સચિવ અને જીએસટીના ચીફ કમિશનર સાથે પરામર્શ કર્યા બાદ ગુજરાત સરકારે કયો વિકલ્પ આપવો એ અંગે નિર્ણય કરવામાં આવશે.