નવી દિલ્હીઃ ઇલેક્ટ્રીક કાર કંપની ટેસ્લાના શેરમાં આવેલી તેજીથી સોમવારે અમેરિકન શેરબજારમાં રેકોર્ડ હાઇ પર પહોંચી ગયો. જેથી એલન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં 6.97 અબજ ડોલર એટલે કે લગભગ 51,928 કરોડ રૂપિયાનો વધારો થયો. આ સાથે જ તેની કૂલ સંપત્તિ 187 અબજ ડોલરે પહોંચી ગઇ છે. મસ્ક દુનિયાના ધનવાનોની યાદીમાં બીજા ક્રમે છે. ચાલુ વર્, તેની સંપત્તિ 17.4 અબજ ડોલર વધી છે.
આ યાદીમાં દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોનના માલિક જેફ બેઝોસ 213 અબજ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે. તો ફ્રાન્સના બિઝનેસમેન અને દુનિયાની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપની LVMH Moët Hennessyના ચેરમેન બર્નાર્ડ ઓરનોલ્ટ 172 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે અને માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેસ્ટ 148 અબજ ડોલરની સંપતિ સાથે ચોથા ક્રમે છે.
દુનિયાના ધનવાનોની યાદીમાં અદાણી-અદાણી ક્યાં સ્થાને ?
વૈશ્વિકના ધનવાનોની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી 12માં ક્રમે છે. સોમવારે રિલાયન્સના શેરમાં તેજીથી તેની નેટવર્થમાં 53 કરોડ ડોલરનો ઉમેરો થયો અને કુલ સંપત્તિ
78.9 અબજ ડોલરે પહોંચી ગઇ. આ સાથે તેઓ ભારત અને એશિયાના નંબર-1 ધનિક વ્યક્તિ તરીકે યથાવત રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે દુનિયાના ધનવાનોની યાદીમાં મુકેશ અંબાણી ચોથા ક્રમે પહોંચી ગયા હતા.
તો ગૌત્તમ અદાણીની લિસ્ટેડ કંપનીઓના શેરમાં સોમવારે ઘટાડો આવ્યો હતો. તેના પગલે ચેરમેન ગૌત્તમ અદાણની નેટવર્થ હવે 55.3 અબજ ડોલર રહી ગઇ છે અને તેઓ દુનિયાના ધનવાનોની યાદીમાં હાલ 24માં ક્રમે છે. ગત સોમવારે તેમની સંપત્તિમાં 53.6 કરોડ ડોલરનો ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, ગૌત્તમ અદાણીની સંપત્તિ ગત મહિને 14 જૂને 77 અબજ ડોલરે પહોંચી ગઇ હતી. ત્યારબાદ તેમની સંપત્તિમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.