મુંબઇઃ અદાણી ગ્રૂપના માલિક ગૌત્તમ અદાણીની નેટવર્થમાં સોમવારે 1.55 અબજ ડોલરનું ધોવાણ થયુ. આનું કારણ ગ્રૂપની છ લિસ્ટેડ કંપનીઓમાંથી 3 કંપનીના શેર સોમવારે ઘટાડે બંધ થયા હતા. Bloomberg Billionaires Indexના મતે અદાણી ગ્રૂપની નેટવર્થ હાલ 62.2 અબજ ડોલર રહી ગઇ છે. તેની સાથે જ તેઓ વિશ્વના ધનિકોની યાદીમાં 15માં સ્થાનેથી બે ક્રમની પીછેહઠ સાથે 17માં ક્રમે આવી ગયા છે. એક સમયે તેની નેટવર્થ 77 અબજ ડોલરે પહોંચી ગઇ હતી. ચાલુ વર્ષે તેમની સંપત્તિમાં 28.4 અબજ ડોલરનો ઉમેરો થયો છે.
અદાણી ગ્રૂપની છ લિસ્ટેડ કંપનીઓમાંથી 3 કંપનીના શેર સોમવારે ઘટ્યા છે. અદાણી ગ્રીન એનર્જીનો શેર 2.9 ટકા, અદાણી ટ્રાન્સમિશન 2.52 ટકા અને અદાણી ટોટલ ગેસનો શેર 5 ટકા તૂટ્યો છે. બીજી બાજુ અદાણી એન્ટરપ્રાઇસનો શેર 0.44 ટકા, અદાણી પોર્ટ્સનો શેર 0.55 ટકા અને અદાણી પાવરનો શેર 1.16 ટકા વધ્યો હતો.
મુકેશ અંબાણીની શુ છે સ્થિતિ
દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી Bloomberg Billionaires Indexમાં 12માં સ્થાને છે. સોમવારે રિલાયન્સનો શેર ઘટવાથી તેમની નેટવર્થમાં 79.6 કરોડ ડોલરનો ઘટાડો આવ્યો છે. તેમ છતાં તેઓ 79.2 અબજ ડોલરની સંપત્તિ સાથે એશિયાના સૌથી મોટા ધનિક વ્યક્તિ તરીકે યથાવત રહ્યા છે.