પર્યાવરણના સમતુલન માટે વૃક્ષોની હાજરી અનિવાર્ય છે પરંતુ વિકાસની આડમાં સરકાર વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢી રહી છે. રાજ્યમાં જેટલા વૃક્ષો કપાય છે તેટલા નવા વાવવામાં આવતા નથી પરિણામે પર્યાવરણ બગડે છે. ગાંધીનગરની સ્થિતિ પણ વૃક્ષ વિનાના શહેર જેવી થઇ છે, કારણ કે ગ્રીનસિટીનું બિરૂદ ધરાવતા ગાંધીનગરમાં જૂના વિશાળ વૃક્ષો કપાઇ રહ્યાં છે.
ગાંધીનગરમાં સૌથી વધુ વૃક્ષો માર્ગ પહોળા કરવા માટે કાપવામાં આવ્યા છે. બીજા વૃક્ષો ઇમારતો બનાવવામાં કપાયા છે. ખેતીની જમીન જ્યારે બિન ખેતીની કરવામાં આવે છે ત્યારે ખેતરની અંદર અને આસપાસના વૃક્ષો કાપી નાંખવામાં આવે છે. વૃક્ષોની કાપણી વચ્ચે ગાંધીનગરે તો ગ્રીનસિટીનું બીરૂદ ગુમાવ્યું છે પરંતુ આ બિરૂદ આણંદે મેળવ્યું છે. વ્યક્તિઓની સરખામણીએ આણંદમાં સૌથી વધુ વૃક્ષો છે.
જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદ કરતાં ગાંધીનગરમાં સૌથી વધુ વૃક્ષો કપાય છે, પરિણામે તાપમાનમાં બે ઇંચનો ફરક પડ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ જિલ્લામાં 6413 જેટલા વૃક્ષો કપાયા છે જેની સામે ગાંધીનગર જિલ્લામાં 11859 જેટલા વિક્રમી વૃક્ષોનું નિકંદન નિકળ્યું છે. આટલી મોટી સંખ્યામાં વૃક્ષો કપાયા છે છતાં પર્યાવરણવિદ્દોનું ધ્યાન ખેંચાયું નથી.
સૌથી વધુ વૃક્ષો માર્ગ બનાવવામાં કપાય છે. અત્યારે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેનો હાઇવે પહોળો કરવામાં આવી રહ્યો છે ત્યારે તેમાં આડે આવતા 4000થી વધારે વૃક્ષોને કાપી નાંખવામાં આવ્યા છે. ગાંધીનગરમાં સાબરમતી નદીના કિનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નસમા પંચામૃત ભવનનો પ્રોજેક્ટ પર્યાવરણવિદ્દોએ અટકાવ્યો હતો, કારણ કે આ પ્રોજેક્ટની 104 એકર જમીનમાં વર્ષો જૂના લીમડા સહિત 20,000 વૃક્ષો કાપવાના થતા હતા. શહેરમાં આ એક જ એવી ઝૂંબેશ હતી કે જેમાં આટલી મોટી સંખ્યામાં વૃક્ષો કપાતા અટકી શક્યા છે.