ચક્રવાતી તોફાન બિપરજોય હવે રાજસ્થાનમાં તબાહી મચાવી રહ્યું છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે અને સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
બાડમેર, સિરોહી અને જાલોરમાં પણ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે.
આ તોફાની તબાહીના કારણે 500થી વધુ ગામડાઓ પ્રભાવિત બન્યા છે જ્યાંએનડીઆરએફ-એસડીઆરએફની ટીમો બચાવ કામગીરી કરી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે.
હવામાન વિભાગે રાજ્યના આઠ જિલ્લામાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે સ્થિતિ વધુ વણસી શકે છે.
ચક્રવાતી તોફાન બિપરજોયની અસરને કારણે બાડમેરમાં શરૂ થયેલો વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.
ગત શુક્રવાર સાંજથી અહીં વરસાદ શરૂ થયો હતો જે હજુ પણ ચાલુ છે. જેના કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બાડમેર જિલ્લામાં વરસાદે 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
હવામાન વિભાગે બાડમેર, જાલોર અને સિરોહીમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. પાલી અને જોધપુરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઝુંઝુનુ, જેસલમેર, બિકાનેર, અજમેર, ચુરુ, સીકર, ઉદયપુર, નાગૌર, જયપુર, જયપુર સિટી, રાજસમંદ, અલવર, કરૌલી, સવાઈ માધોપુર, ભીલવાડા, ચિત્તોડગઢ, ટોંક, દૌસા, કોટા અને બુંદી માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.