નવી દિલ્હીઃ જે લોકો સોના-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છે તેમણે વધારે રૂપિયા ચૂકવવા પડશે કારણ કે કોરોના વાયરસનું સંકટ વધવાની સાથે-સાથે સોના-ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે.
આજે ગુરુવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાની કિંમત 182 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ દીઠ 45975 રૂપિયા થઇ હતી. તો ચાંદીની કિંમતમાં પણ આજે 725 રૂપિયાનો ઉછાળો આવ્યો અને પ્રતિ 10 કિગ્રાની કિંમત 66175 રૂપિયા એ પહોંચી ગઇ હતી. તો ગઇકાલે દિલ્હીમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 45793 રૂપિયા અને ચાંદીની કિંમત 65450 રૂપિયા પ્રતિ એક કિગ્રા હતી.
અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમત 400 રૂપિયા ઉછળીને પ્રતિ 10 ગ્રામ દીઠ 48,100 રૂપિયા થઇ હતી જે 26 ફેબ્રુઆરી 2021 પછીનો સૌથી ઊંચો ભાવ છે. તો ચાંદીમાં આજે 1300 રૂપિયાનો જંગી ઉછાળો નોંધાયો અને પ્રતિ એક કિગ્રાનો ભાવ 68,000 રૂપિયાની સપાટી કુદાવી 68500 રૂપિયા થયા હતો જે 19 માર્ચ પછીનો સૌથી ઉંચો ભાવ છે.
કોરોના વાયરસનો કહેર ફરી વધતા સોના-ચાંદીના ભાવમા તેજીનો સંચાર થયો છે. આજે સ્થાનિક બજારમાં સોનું ફરી એક વાર 48,000 રૂપિયાની સપાટી કુદાવી સવા મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. તો ચાંદીની કિંમત પણ ઉછળીને 68,000 રૂપિયાને પાર પહોંચી હતી. આજે વૈશ્વિક બજારમાં સોનું 1745 ડોલરની સપાટીને સ્પર્શ્યુ હતુ.