કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂકતા આદેશનું ઉલ્લંઘન થતું હોવાથી આગામી ચૂંટણીઓમાં મતદાન કરવા પર પ્રતિબંધ મૂકતી એક પિટીશન ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણના સમયમાં ચૂંટણીમાં મતદાન કરાવવું એ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશનું સંપૂર્ણ ઉલ્લંઘન છે.
ભારતના ચૂંટણી પંચે ચૂંટણીમાં મતદાન કરવા અંગે જે ગાઇડલાઇન બહાર પાડી છે તે કેન્દ્રીય આદેશનું ઉલ્લંઘન હોવાથી આ ગાઇડલાઇન રદ્દ કરવા માટે પિટીશન કરવામાં આવી છે. ગયા શુક્રવારે ભારતના ચૂંટણી પંચે તેની ગાઇડલાઇનમાં જણાવ્યું હતું કે મતદારો આરોગ્યના પગલાં સાથે એટલે કે ગ્લોવ્ઝ પહેરીની મતદાન કરી શકશે. એટલું જ નહીં પંચે કોવિડ દર્દીઓના મતદાન માટેના કેટલાક નિયમો જાહેર કર્યા છે અને તેમને મતાધિકાર આપવાનું ઠરાવ્યું છે.
ગુજરાત હાઇકોર્ટમાં થયેલી પિટીશન પ્રમાણે ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી મુલતવી રાખવા તેમજ ભારતના ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવેલી ગાઇડલાઇન રદ્દ કરવાની માગણી કરવામાં આવી છે. અરજદાર ફરસુ ગોકલાણીએ કહ્યું હતું કે કોરોના સંક્રમણના સમયમાં જો કોઇપણ ચૂંટણી કરવામાં આવશે તો રાજ્યમાં કોરોના સંક્રમણ વધી જવાનો ખતરો છે તેથી ચૂંટણી પંચની ગાઇડલાઇન રદ્દ કરવામાં આવે છે અને કોઇપણ પ્રકારની ચૂંટણી કરવામાં ન આવે.
અરજદારે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશમાં ઉલ્લેખ છે કે સામાજીક, રાજકીય, મનોરજક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો તેમજ મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા જે ગાઇડલાઇન આપવામાં આવી છે તે ગૃહ મંત્રાલયના આદેશની વિરૂદ્ધમાં છે તેથી તેને રદ્દ કરવામાં આવે. તેમણે કહ્યું છે કે ચૂંટણી પંચે આદેશ બહાર પાડતાં પહેલાં ગૃહ મંત્રાલયની પરમિશન લેવાની આવશ્યકતા હતી, જે લેવામાં આવી નથી.
હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલી આ પિટીશન અંગે 31મી ઓગષ્ટે સુનાવણી થાય તેવી સંભાવના છે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ જેબી પારડીવાલાની ડિવિઝન બેન્ચ સમક્ષ આ સુનાવણી કરવામાં આવશે.
જો કે આ પિટીશનના જવાબમાં, ચૂંટણી પંચે ગયા સપ્તાહમાં હાઈકોર્ટને કહ્યું હતું કે તે કોવિડ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને કાયદામાં સૂચવેલી યોગ્ય કાર્યવાહીને પગલે ચૂંટણીઓની ઘોષણા કરવી કે તેમને મુલતવી રાખવી તે અંગે યોગ્ય નિર્ણય લેશે.આ પિટીશનમાં ધારી, અબડાસા, લીંબડી, ગઢડા, ડાંગ, કરજણ, મોરબી અને કપરાડા વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીઓની મુદ્દત માગવામાંઆવી છે જે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં બાદ ખાલી પડી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપે પેટાચૂંટણી યોજવા અંગેની તૈયારી શરૂ કરી દીધી છે પરંતુ હવે હાઇકોર્ટના આદેશની રાહ જોવામાં આવશે. ચૂંટણી પંચે આ પેટાચૂંટણી અંગેનું જાહેરનામું હજી સુધી બહાર પાડ્યું નથી પરંતુ તે પહેલાં ગાઇડલાઇન બહાર પાડી છે.