મુંબઇઃ જો તમે ચેક મારફતે પેમેન્ટ કરો છો તો સાવધાની રાખવી, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બેંકિંગ નિયમોમાં કેટલાંક ફેરફારો કર્યા છે. જો કે આ બદલાવ આ મહિનાની શરૂઆત એટલે કે 1 ઓગસ્ટ, 2021થી જ લાગુ થઇ ચુક્યા છે. તેથી જો ચેકથી પેમેન્ટ કરવા જઇ રહ્યાં છો તો આ નિયમોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. નહીંતર તમારે પેનલ્ટી પણ ભરવી પડી શકે છે.
રિઝર્વ બેન્કે હવે 24 કલાક બલ્ક ક્લિયરિંની સુવિધાને જારી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અસર તમારી ચેક પેમેન્ટ કરવાની રીત પર પડશે. હાલ કોઇપણ ચેકને ક્લિયર થવામાં 2 દિવસનો સમય લાગે છે પરંતુ આ નિયમ બાદ 2 દિવસનો સમય નહીં લાગે, એટલે કે તમારો ચેક નાંખતા જ તરત જ તે અમાઉન્ટ ક્લિયર થઇ જશે. તેના માટે તમારે તમારા બેંક એકાઉન્ટમાં એટલા પૈસા રાખવા પડશે, જેથી તે ચેક ક્લિયર થઇ શકે.
જો તમે તે વિચારીને આજે ચેક આપી રહ્યાં છો કે કાલે તમે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેશો તો તમારો ચેક બાઉન્સ થઇ શકે છે અને તમારે પેનલ્ટી ચુકવવી પડી શકે છે. તેથી ચેક જારી કરતી વખતે તમારે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. પહેલા પોતાનું બેંક એકાઉન્ટ ચેક કરો ત્યારે ચેક જારી કરો.
રિઝર્વ બેંકે નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) ને હવે 24 કલાક સાતેય દિવસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિયમ તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકમાં લાગુ થશે. આ નવા નિયમ અંતર્ગત હવે રજાના દિવસે પણ તમારો ચેક ક્લિયર થઇ જશે. પરંતુ તેવામાં હવે તમારે સતર્ક રહેવાની પણ જરૂર છે. આવું એટલા માટે કારણ કે હવે શનિવારે જારી કરવામાં આવેલો ચેક રવિવારે પણ ક્લિયર થશે. પહેલા ચેક જારી કરતી વખતે શનિવાર કે રવિવારે ચેક ક્લિયર થતા નહતાં.