ગાંધીનગર – ગુજરાતમાં જમીન પચાવી છે તો ખબરદાર, હવે લેન્ડ માફિયાઓને મોટી સજા થઇ શકે છે. ગુજરાત સરકાર એક કાયદો પસાર કરવા જઇ રહી છે જે ખાનગી જમીન પચાવી પાડવાના કેસમાં કેટલાક સુધારા કરી રહી છે. રાજ્યમાં એવી ઘટનાઓ બને છે કે જેમાં ગરીબ કે જરૂરતમંદ લોકોની કિમતી જમીન કેટલાક જમીન સાથે સંકળાયેલા તત્વો પચાવી પાડતા હોય છે.
ખોટા દસ્તાવેજો અથવા તો ખોટી સહી કરીને કેટલાક પરિવારોની મહામૂલી જમીન માલેતુજારોએ પચાવી પાડી છે જેના માટે સજાની જોગવાઇ અલ્પ હતી. હવે સરકારે તેમાં સુધારો કર્યો છે. ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબિશન) એક્ટને સુધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ બીલ આમ તો ગયા ફેબ્રુઆરી-માર્ચ મહિનાના બજેટ સત્રમાં આવવાનું હતું પરંતુ કોરોના સંક્રમણના કારણે આ બીલ આવી શક્યું નથી તેથી હવે સપ્ટેમ્બરમાં મળી રહેલા ટૂંકા સત્રમાં આ બીલ આવશે. આ કાયદામાં સુધારો થતાં લેન્ડ માફિયા તત્વોને સીધી 10 વર્ષની જેલની સજા થશે.
સૂચિત એક્ટ મુજબ, જે તે જમીનની જંત્રી કિંમત સમાન દંડની પણ જોગવાઇ છે. જો આ પ્રકારના જમીન કૌભાંડમાં કોઈ કંપની કે પેઢી સંડોવાયેલી હોય તો તેની સાથે જોડાયેલા દરેક વ્યક્તિને આ પ્રકારની સજાનો સામનો કરવાનો રહેશે. આ માટે પેઢી કે કંપનીના સંચાલન માટે જે જવાબદાર હોય તેને દોષીત ગણી શકાશે. વિધાનસભાના છેલ્લા સત્રમાં આ બીલ તૈયાર થયું હતું જે હવે ચોમાસુ સત્રમાં આવશે.
જમીન માફિયાના અપરાધ માટે કામ ચલાવવા ખાસ કોર્ટની જોગવાઈ કરવા અને કેસ ઝડપથી ચલાવવા ખાસ સરકારી ધારાશાસ્ત્રીની નિયુક્તિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી અને ખાનગી જમીન પર ગેરકાનુની રીતે બનાવટી દસ્તાવેજો ઉભા કરીને કબજો લેતાં તત્વો સામે હવે આકરા પગલાં લઇ શકાશે.