દૂધાળાં પશુઓના દૂધની કિંમત આજે 58 થી60 રૂપિયા થઇ ચૂકી છે પરંતુ તમને જો પાંચ રૂપિયામાં એક લીટર દૂધ મળે તો કેટલું સસ્તું કહેવાય… અચરજ પમાડે તેવું આ સંશોધન છે.
જૂનાગઢના નાબાર્ડના પૂર્વ અધિકારીના પત્નીએ મગફળીને પ્રોસેસ કરી તેમાંથી પૌષ્ટીક દૂધ બનાવ્યું હતું. જો કે આ સંશોધનને આગળ લઇ જવામાં આવ્યું નથી તેથી લોકોને ખબર નથી કે મગફળી આરોગ્ય વર્ધક એવું દૂધ અને તેની બનાવટો આપી શકે છે. પારૂલદેવી રાવલનું આ સંશોધન હતું. તેમનો આ પ્રયાસ ગરીબી રેખાની નીચે જીવતા લોકોને પૌષ્ટીક આહાર આપી શકે છે.
મગફળીના દૂધની બનાવટ એટલી સરળ છે કે લોકો જાતે ઘરમાં બનાવી શકે છે. તેમના મતે 100 ગ્રામ મગફળીના દાણાં ઉકાળતા ગરમ પાણીમાં નાંખવાના હોય છે. થોડાં સમય પછી દાણાં ગરમ થતાં ફોતરાં કાઢી શકાશે. આ દાણાને મિક્સરમાં ક્રશ કરતાં પેસ્ટ બનતી જશે.
આ પેસ્ટમાં પાણી નાંખીને ત્રણેક વાર ક્રશ કરવું પડે. છેલ્લે પેસ્ટમાં પાણી ઉમેરીને ગાળી દેવાથી એક લિટર દૂધ તૈયાર થશે. તૈયાર થયેલા દૂધને ગેસ પર મૂકવાથી સામાન્ય દૂધની જેમ ઉભરો પણ આવશે. મગફળી એ તેલિબિયાં હોવાથી દૂધમાં તેલની આવતી વાસને દૂર કરવા દૂધમાં ઇલાયચી અને મસાલા નાંખી શકાય છે. આ દૂધમાંથી દહી, છાસ, માખણ, આઇસ્ક્રીમ અને કઢી પણ બને છે.
મગફળીના માત્ર 100 ગ્રામ દાણામાંથી એક લીટર દૂધ બનાવી શકાય છે. આ દૂધમાં 25 ટકા પ્રોટીન અને 40 ટકા ચરબી હોય છે તેથી પોષણભૂખને સંતોષી શકે છે. જો આ સંશોધનને આગળ ધપાવવામાં આવે તો રાજ્યના આરોગ્ય અને કૃષિ વિભાગ માટે મગફળીનું દૂધ અમૃત સમાન બની શકે છે.