ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના આઇપીઓનું આજે શેરબજારમાં ધમાકેદાર લિસ્ટિંગ થયુ છે. ઝોમેટાના આઇપીઓમાં રોકાણકારોને રિટર્ન મળ્યુ છે. આજે ઝોમેટોનો શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 116 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો છે. આમ રોકાણેકારોને ઝોમેટોના સ્ટોકમાં 52.63 ટકાનું લિસ્ટિંગ ગેઇન મળ્યુ છે. ઉલ્લેખનિય છે કે, ઝોમેટોના આઇપીઓમાં રોકાણકારોને પ્રતિ ઇક્વિટી શેર દીઠ 76 રૂપિયાના ભાવે શેરનું એલોટમેન્ટ કરવામાં આવ્યુ હતુ. તો બીએસઇ ખાતે ઝોમેટોનો શેર 115 રૂપિયાના ભાવે ખૂલ્યો હતો જે 51.32 ટકાનું લિસ્ટિંગ ગેઇન દર્શાવે છે.
ઉલ્લેખનિય છે કે ઝોમેટોનો આઇપીઓ ગત 14થી 16 જુલાઇ ત્રણ દિવસ માટે સબ્સક્રિપ્શન માટે ખુલ્યો હતો. આ આઇપીઓ મારફતે ઝોમેટો કંપનીએ 9375 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. રોકાણકારો તરફથી બહોળો પ્રતિસાદ મળતા ઝોમેટોનો આઇપીઓ 38.25 ટકા ભરાયો હતો, જે 5000 કરોડ રૂપિયાથી વધુના આઇપીઓમાં છેલ્લા 13 વર્ષનું સૌથી વધુ સબ્સક્રિપ્શન છે.
ઝોમેટો બાદ હવે વધુ એક ફાઇનાન્સિયલ પેમન્ટ સ્ટાર્ટઅપ્સ પેટીએમ પણ આઇપીઓ લાવવાની તૈયારી રહી છે. પેટીએમના આઇપીઓનું કદ સંભવતઃ 12000થી 13000 કરોડ રૂપિયાનો હોવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.