ગાંધીનગર: દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં એક એવું સંશોધન કરવામાં આવ્યું છે કે જેનાથી ડાયાબિટીસના દર્દીને અસરકર્તા છે. આ રોગમાં લોકો મોર્ડન મેડિસીનની સાથે હર્બલ એટલે કે આયુર્વેદિક દવાઓ પણ લેતાં હોય છે જે ખતરારૂપ માનવામાં આવે છે. રિસર્ચમાં જણાયું છે કે આમ કરવાથી એલોપથી દવાની આડઅસર થઇ શકે છે, જો કે આ અંગે હજી પ્રિ-ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે.
આખી દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. ભારતમાં દર 100 માંથી 12 લોકો ડાયાબિટીસની બીમારીથી પીડાય છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ના વિદ્યાર્થીની અને સૌરાષ્ટ્ર ફાર્મસી ભવનના રિસર્ચ સ્કૉલર જલ્પા સાણંદીયાએ ડાયાબિટીસના દર્દીઓની એલોપેથી અને આયુર્વેદિક દવાઓ સાથે લેવાથી થતી આડઅસર બાબતે રીસર્ચ કર્યું છે પરંતુ તે હજી પ્રાણીઓ પુરતું સિમિત છે.
બ્લડ ગ્લુકોસ લેવલ સામાન્ય રાખવા રોજ એન્ટિ ડાયાબેટીક દવાઓ લેવી પડે છે. આ સાથે કેટલાક દર્દીઓ ડોક્ટરની જાણ બહાર ઘર ગથ્થું ઉપચાર જેવા કે, મેથી અને મામેજવાની ફાકી, કારેલાનો રસ વગેરે લેતા હોય છે. એલોપેથી અને હર્બલ દવાઓ એકસાથે લેવાથી તેમની વચ્ચે ઇન્ટરએકશન થઈને કેવી આડઅસર થાય છે, તે માટેનું રિસર્ચ કરાયું છે.
હર્બલ દવાના પ્લાન્ટમાં અનેક કેમિકલ હોય છે. જો તેની સાથે એન્ટિ ડાયાબેટીક દવા લેવામાં આવે તો, ઇન્ટરએકશન થવાની શક્યતા વધી જાય છે. જે ખૂબ જ જોખમકારક હોય છે. આ સંશોધનમાં સૌરાષ્ટ્ર ભવનના હેડ ડો. મિહિર રાવલ, પ્રાધ્યાપક ડો. વૈભવ ભટ્ટ અને જીજ્ઞા વડાલિયાનો સહયોગ મળ્યો છે.
ઇન્ટરએકશન બે પ્રકારના હોય છે. ફાર્માકોકાઇનેટીક અને ફાર્માકોડાઇનૈમિક જેને સરળ ભાષામાં અનુક્રમે શરીરની દવા ઉપરની અસર અને દવાની શરીર પરની અસર કહેવાય છે. રીસર્ચ દરમિયાન માનવ લીવરના કેન્સર કોષોની વૃદ્ધિ કરીને તેને લીવરના સામાન્ય કોષમાં ફેરવીને તેના ઉપર એન્ટિ ડાયાબેટીક દવા અને બાયગોનાઇડ તથા સલ્ફોનાયલ યુરિયા ક્લાસની દવાની સાથે હર્બલ પ્લાન્ટના અર્કના પ્રયોગો કરવામાં આવ્યા છે.
આ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે, બાયગોનાઇડ કરતાં સલ્ફોનાયલ યુરિયા ક્લાસની એન્ટિ ડાયાબેટીક દવા હર્બલ અર્કમાં રહેલા પોલી ફીનોલીક સાથે પ્રક્રિયા આપે છે. જેના કારણે સલ્ફોનાયલ યુરિયા ક્લાસની એન્ટિ ડાયાબેટીક દવાની ફાર્માકોકાઇનેટીક પ્રોપર્ટિ ખાસ કરીને લિવરના કોષો દ્વારા સ્ત્રાવતા ઉત્સેચકો દ્વારા જે પાચન થાય છે. તેમાં અવરોધ આવે છે. જેથી આ દવાની યોગ્ય અસર થતી નથી. હાલના તબક્કે તેનું સંશોધન પ્રાણીઓમાં ચાલી રહ્યું છે.