કોરોના કાળમાં જીવન જરૂરિયાતની તમામ ચીજો મોંઘી થઇ છે જેમાં ખાદ્યતેલોના ભાવમાં પણ તોતિંગ કમરતોડ વધારો થયો છે. ખાદ્યતેલોના ભાવ બમણાં થતા મર્યાદિત આવક વચ્ચે ગૃહિણીઓનું બજેટ અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. તહેવારો પહેલા જ ફરી ખાદ્યતેલના ભાવ વધતા લોકોને મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધી સસ્તુ ગણાતુ કપાસિયા તેલ પણ હવે સિંગતેલની સમકક્ષ આવી ગયુ છે. સિંગતેલ મોંઘુ પડવાથી વિકલ્પમાં અનેક ઘરોમાં વપરાતા કપાસિયા તેલનો ભાવ રાજકોટ બજારમાં આજે વધુ રૂ।.20ના વધારા સાથે 15 કિલો ડબ્બાનો ભાવ રૂ।.2400એ પહોંચ્યો છે.
જ્યારે સિંગતેલના ભાવ પણ આજે રૂ।.20 વધીને 15 કિલો ડબ્બાના રૂ।.2425-2465 થતા કપાસિયા અને સિંગતેલ વચ્ચે ભાવફરક માત્ર 65 રૂ।.નો એટલે કે કિલોએ ચાર રૂ।.નો જ ફરક રહ્યો છે. વેપારીઓએ અને ઓઈલ મિલરોએ કપાસિયા તેલમાં તેજી માટે માલની અછતનું કારણ આપ્યું છે. દેશમાં 13.50 લાખ ટનથી વધુ કપાસિયા તેલ ખવાય છે.
તાજેતરમાં રાજકોટ યાર્ડમાં 20 કિલો કપાસનો ભાવ આજ સુધીનો સૌથી વધારે રૂ।.1724 નોંધાયો છે અને આજે પણ યાર્ડમાં 620 કપાસની આવક વધીને 620 ક્વિન્ટલ થઈ હતી છતાં ભાવ રૂ।.1707 સુધી રહ્યા હતા. હવે કપાસિયા તેલના ભાવમાં ભડકો થવા લાગ્યો છે.
માત્ર સિંગતેલ કે કપાસિયા તેલ જ નહીં પણ તમામ ખાદ્યતેલો જેવા કે સરસિયુ, સોયાતેલ, પામોલિન તેલ, સનફ્લાવર તેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.