મુંબઇઃ સતત વધી રહેલા કોરોના વાયરસના કેસથી ભારતીય શેરબજારમાં મોટો આંચકો આવ્યો હતો. કોરોના વાયરસની કહેરથી સેન્સેક્સમાં આજે સેશન દરમિયાન 1400 પોઇન્ટનો વધુનો ઇન્ટ્રા-ડે કડાકો નોંધાયો છે. સપ્તાહના પહેલા જ દિવસ સોમવારે સેન્સેક્સ સેશન દરમિયાન 1400 પોઇન્ટથી વધુના ના ઇન્ટ્રા-ડે કડાકામાં 48,580ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. તેવી જ રીતે બેન્ચમાર્ક નિફ્ટી પણ 400 પોઇન્ટથી વધુના ઇન્ટ્રા-ડે કડાકામાં 14459ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.
આજે આઇટી સિવાય મોટા ભાગના બ્લુચીપ સ્ટોકમાં વેચવાલીનો માહોલ હતો. સેન્સેક્સ ખાતે હેવીવેઇટ્સ આઇટી સ્ટોક એચસીએલ, ઇન્ફોસિસ અને ટીસીએસને બાદ કરતા બાકીના તમામ 27 સ્ટોક તૂટયા હતા. સેન્સેક્સના સૌથી વધુ ઘટનાર સ્ટોકમાં બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સ્ટોકની હાલાત ખરાબ હતી. આઇસીઆઇસીઆઇ બેન્ક 4.1 ટકા, એચડીએફસી બેન્ક 4.3 ટકા, એસબીઆઇ 4.7 ટકા, બજાજ ફિનસર્વ 6 ટકા અને ઇન્ડ્સઇન્ડ બેન્કનો શેર સવા છ ટકા જેટલો તૂટ્યો હતો.
ભારતમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક 1 લાખથી વધુના નવા કેસથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયુ છે. જેના લીધે રોકાણકારો મોટા પ્રમાણમાં નફાવસૂલી કરી રહ્યા છે.
હવે કોર્પોરેટ કંપનીઓના રિઝલ્ટ શરૂ થશે. કંપનીઓ દ્વારા માર્ચ ક્વાર્ટર અને સમગ્ર નાણાકીય વર્ષ 2020-21ના નાણાકીય પરિણામો જાહેર કરવામાં આવશે. ઉપરાંત રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીની બેઠક ઉપર પણ રોકાણકારોની નજર રહેશે