મુંબઇઃ તહેવારો દરમિયાન સારા વેચાણથી કાર કંપનીઓ ઉત્સાહમાં આવી જઇ વાહનોના ભાવ વધારવા હોડાહોડ કરી રહી છે. મારુતિ સુઝુકી બાદ હવે વધુ એક કાર કંપનીએ પણ તેની કારની કિંમતો વધારવાન જાહેરાત કરી છે. જેના પગલે જે લોકો નવા વર્ષમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમણે વધારે રૂપિયા ચૂકવવા તૈયાર કરવું પડશે.
તાજેતરમાં ફોર્ડ ઇન્ડિયા એ પણ તેની તમામ કારની કિંમતો વધારવાની જાહેરાત કરી છે અને આ સાથે તેની તમામ કાર જાન્યુઆરી 2021થી મોંઘી થઇ જશે. ફોર્ડ ઇન્ડિયાએ તમામ કારની કિમંતો 1થી 3 ટકા સુધી વધારવાની જાહેરાત કરી છે. જેને પગલે જાન્યુઆરીથી ફોર્ડ ઇન્ડિયાની તમામ કારની કિંમતો 5000થી 30,000 રૂપિયા સુધી વધી જશે. જે મોડલ પ્રમાણે અલગ-અલગ હશે.
ફોર્ડ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ સેલ્સ અને સર્વિસ) વિનય રૈનાનુ કહેવુ છે કે, કારની કિંમતોમાં વૃદ્ધિ 1 ટકાથી 3 ટકા સુધી હશે. છેલ્લા એક વર્ષમાં ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે, તેની અસર વાહનોની કિંમત પર પડી રહી છે. આ પડકારનો સામનો કરવા માટે વાહનોના ભાવમાં વધારો કરવો આવશ્યક બની ગયો છે. જાન્યુઆરી 2021થી અલમાં આવે તેવી રીતે ભાવ વૃદ્ધિ લાગુ કરવામાં આવશે.
નોંધનિય છે કે, તાજેતરમાં અરે મારુતિ સુઝુકી ઇન્ડિયાએ પણ પોતાની તમામ કારની કિંમતો વધારવાની જાહેરાત કરી હતી. તેની કારની કિંમતોમાં આ વૃદ્ધિ જાન્યુઆરીથી લાગુ થશે.