જો તમે નવા વર્ષે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારે વધારે કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડશે. હાલ મોટાભાગની કંપનીઓ પોતાના વાહનોની કિંમત વધારવાની તૈયારી કરી રહી છે. મારુતિ સુઝુકી અને ફોર્ડ બાદ હવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ પણ જાન્યુઆરી 2020થી તેના પેસેન્જર વ્હિકલ સહિતના વહાનોની કિંમત વધારવાની જાહેરાત કરી છે. વાહનોની કિંમત વધારવા પાછળ કંપનીએ ઉત્પાદન ખર્ચમાં થયેલ વધારાને જવાબદાર ગણાવ્યુ છે.જો કે, કઈ કારના ભાવ કેટલા વધશે તે અંગે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
દેશની અગ્રણી સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ (એસયુવી) વાહન નિર્માતા મહિન્દ્રા-મહિન્દ્રા એ પણ પોતાના વાહનોના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. મીડિયા અહેવાલો અનુસાર નવી કિંમતો 1 જાન્યુઆરીથી લાગુ થશે. આ માહિતી કંપનીના એક્સચેન્જમાં ફાઈલિંગનાં માધ્યમથી આપવામાં આવી છે. માહિતી અનુસાર, કંપની આગામી મહિનાથી તેના પેસેન્જર અને પેસેન્જર સેગમેન્ટના વાહનોના ભાવમાં વધારો કરશે.
કંપનીનું કહેવું છે કે વાહનોના ઉત્પાદનમાં ખર્ચની કિંમતમાં વધારાને કારણે વાહનોની કિંમતમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ મારુતિ સુઝુકી અને કિયા મોટર્સે પણ તેમના વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. હાલમાં, કંપનીના પેસેન્જર વાહનોની સૂચિમાં 8 વાહનો શામેલ છે, જેમાં એન્ટ્રી-લેવલ મોડેલ KUV100 NXT ની કિંમત 5.67 લાખ રૂપિયા છે અને ટોચના મોડેલ અલ્ટુરસ જી4 ની કિંમત 28.69 લાખ રૂપિયા છે. આ સિવાય કંપનીની બેસ્ટ સેલિંગ એસયુવી સ્કોર્પિયો અને બોલેરો પણ પહેલા કરતા વધારે મોંઘા થશે. કિંમત વધારવાની જાહેરાત પહેલાં કંપનીએ જણાવ્યું હતું કે તેના દરેક મોડેલ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જોકે તેમાં તાજેતરમાં જ લોન્ચ થયેલાં વ્હીકલ સામેલ નથી.