કોરોનાના સંકટકાળમાં દેશ અને દુનિયામાં સોનાના ભાવ એકધારી તેજીમાં આસમાને પહોચતા સામાન્ય વર્ગ માટે સોનાની ખરીદી મોંઘી પડી રહી છે. જેની સીધી અસર દેશમાં આયાત કરવામાં આવતા સોના ઉપર દેખાઇ રહી છે. બ્લૂમબર્ગના આંકડા મુજબ દેશમાં નવેમ્બર મહિનામાં સોનાની આયાત વાર્ષિક તુલનાએ 41 ટકા ઘટીને 33.1 ટન નોંધાઇ છે. અલબત્ત, ભારતમાં નવરાત્રીથી લઇને દિવાળીસુધીનો સમયગાળો સોનાના વેચાણ માટે મહત્વપૂર્ણ હોય છે, કારણ કે દિવાળીએ સોનાની ખરીદી હિન્દુધર્મમાં શુભ માનવામાં આવે છે. પરંતુ આ વખતે સોનાના આસમાને પહોંચતા ભાવ અને આર્થિક મંદીની અસરોને પગલે દેશમાં સોનાની આયાત ઘટવાની સાથે-સાથે વેચાણ પણ ઘટ્યુ છે.
અલબત્ત, બ્લૂમબર્ગની એક રિપોર્ટ મુજબ ઓક્ટોબરના 29 ટનની તુલનાએ અલબત નવેમ્બરમાં સોનાની આયાત 14.1 ટકા વધી છે. આમ જાન્યુઆરીથી નવેમ્બર 2020 સુધી દેશમાં સોનાની આયાતમાં 63 ટકાનો જંગી ઘટાડો નોંધાયો અને તે 220.2 ટન થઇ હોવાનો અંદાજ છે. આમ દેશના જ્વેલર્સની માટે વર્ષ 2020 વેચાણની દ્રષ્ટિએ સૌથી ખરાબ વર્ષ હોઇ શકે છે.
ઉલ્લેખનિય છે કે, ભારતીયોનો પીળી કિંમતી ધાતુ સોના પ્રત્યેનો પ્રેમ જગ જાહેર છે. આ વર્ષે દિવાળીના તહેવારોની સીઝન દરમિયાન પણ નવેમ્બર મહિનામાં સોનાની આયાતમાં જંગી ઘટાડો નોંધાયો છે જેનું કારણ છે અતિશય ઉંચા ભાવ અને આર્થિક મંદીની ચિંતા છે.
ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના મતે દિવાળી દરમિયાન દેશમાં સોનાની માંગ પાછલા વર્ષની તુલનાએ માંડ 70 ટકા જેટલી રહી છે.
બુલિયન બજારના જાણકારોએ જણાવ્યુ કે, કોરોના વાયરસની મહામારી, ઉંચા ભાવ અને આર્થિક મંદીની દહેશત વચ્ચે ગ્રાહકોની સોનું ખરીદવાની ક્ષમતા ગંભીર રીતે પ્રભાવિત થઇ છે. ઉલ્લેખનિય છે કે, ભારત વિશ્વમાં ચીન બાદ સોનાની ખરીદી કરનાર બીજા સૌથી મોટો દેશ છે.