મુંબઇઃ કોરોના સંકટકાળમાં શેરબજારમાં અભૂતપૂર્વ તેજીથી સામાન્ય લોકો પણ નાણાં કમાવવા માટે શેર-સટ્ટાના માર્ગે ચઢ્યા છે. હજી પણ સામાન્ય જનમાનસમાં ઝડપથી કરોડપતિ થવા માટે શેરબજાર સૌથી સરળ રસ્તો હોવાની માન્યતા પ્રવર્તી રહી છે.
પ્રાપ્ત આંકડાઓ મુજબ નાણાંકીય વર્ષ 2021માં શેરબજારમાં 1.2 કરોડથી વધુ નવા ખાતા ખુલ્યા છે, જે નાણાંકીય વર્ષ 2020માં ખુલેલા 47 લાખ એકાઉન્ટસથી લગભગ 2 ગણા વધારે છે. દેશભરમાં ડીમેટ ખાતાઓની કુલ સંખ્યા દ્વારા 531.2 લાખ પહોંચી છે. છેલ્લા 11 મહિનામાં સીડીએસએલ અને એનએસડીએલમાં કુલ 122.5 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. માત્ર ભારત જ નહિ વિશ્વભરના રિટેલ રોકાણકારોની સંખ્યા વધી રહી છે. નાણાંકીય વર્ષ 2021માં ખોલવામાં આવેલા 70-90 ટકા ખાતા બિન-મેટ્રો શહેરોના છે. નિષ્ણાતો કહે છે કે આ મજબુતીકરણના વલણનું સૌથી મહત્ત્વનું કારણ સમય અને વિચારસરણીમાં પરિવર્તનનો છે.
ચાલુ નાણાંકીય વર્ષ 2021માં ભારતીય બજારો નવી ઉંચી સપાટીને સ્પર્શી ગયા છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ નિફ્ટીમાં આશરે 70 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ વર્ષે ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં ડીમેટ ખાતું ખોલવામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. નિષ્ણાતોના મતે આ વલણ આગામી સમયમાં પણ ચાલુ રહે તેવી સંભાવના છે.
ઇક્વિટી માર્કેટમાં છેલ્લા 12 મહિનામાં ઉચ્ચ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સસ્તા ઑનલાઇન ટ્રેડિંગ પ્રોગ્રામ અને કોરોના યુગમાં કમાણી વૃદ્ધિના વૈકલ્પિક સ્તોત્રની સુવિધામાં વધારો કરવાના પ્રયાસમાં વૃદ્ધિના કારણે શેરબજાર તરફના આકર્ષણમાં વધારો થયો છે.
યુ.એસ.માં રોબિનહુડ નામની રિટેલ સ્ટોક ટ્રેડિંગ એપ્લિકેશનમાં 2020માં જોરદાર તેજી જોવા મળી હતી. નાણાંકીય વર્ષ 2011માં આના પર નવા ખાતા ખોલનારા મોટા ભાગના લોકો 30- 40 વર્ષની વયજૂથમાં હતા. નિષ્ણાતો કહે છે કે વર્ક ફ્રોમ હોમથી રોકાણકારોને શેરબજારના વલણો અને નવી ટ્રેડિંગ તકનીકોને સમજવાની તક મળી છે.
ટેકનોલોજીથી સ્ટોક ટ્રેડિંગ સરળ બન્યુ
લોકડાઉનને કારણે લોકો આવકના વૈકલ્પિક સ્ત્રોતોને ધ્યાનમાં લેતા હતા અને શેરબજાર દરેકની પસંદગી તરીકે ઉભરી આવ્યું હતું. ડિજીટલ ટ્રેડિંગ પ્લેટફોર્મની સરળતા, સસ્તા દલાલી અને સરળ અને મફત એકાઉન્ટ ખોલવાના કારણે ઘણા નવા લોકોએ ડિમેટ ખાતા ખોલાવ્યા છે. આ વલણ વર્ષ 2021માં પણ ચાલુ રહેશે.