નાદારીના કેસનો સામનો કરી રહેલા વીડિયોકોન ગ્રૂપના કેસમાં ચુકાદો આવી ગયો છે. વીડિયોકોન ગ્રૂપને હવે ભારતીય ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ માત્ર 3000 કરોડ રૂપિયામાં ટેકઓવર કરશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે વીડિયોકોન ગ્રૂપ માટે વેંદાતા ગ્રૂપની ટ્વિનસ્ટાર ટેકનોલોજીસ દ્વારા રજૂ કરેલ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ (આઇબીસી)નો કાયદો અમલમાં આવ્યા બાદ આ પહેલું કોન્સોલિડેટેડ ગ્રૂપ રિઝોલ્યુશન છે.
વીડિયોકોન ગ્રૂપ સાથે જોડાયેલી 13 કંપનીઓ માટે વેદાંતા ગ્રૂપે 2962 કરોડ રૂપિયાની ઓફર કરી છે જે લેણદારોની અપેક્ષા કરતા ઘણી ઓછી છે. જો કે તે લિક્વિડેશન વેલ્યૂની તુલનાએ વધારે છે. ઉપરાંત કંપની પાસે રહેલી 500 કરોડની રકડ રકમ પણ બેન્કો-લેણદારોને ચૂકવાશે.
ઉલ્લખનિય છે કે, વર્ષ 2019ના અંતે વેણુગોપાલ ધૂતની માલિકીના વીડિયોકોન ગ્રૂપ ઉપર લગભગ 63,500 કરોડ રૂપિયા જેટલુ જંગી દેવુ હતુ. હાલ વીડિયોકોન ઉપર 46,000 કરોડ રૂપિયાનું દેવુ મનાય છે. વિશ્વના સૌથી મોટા એનપીએ કેસોમાં વીડિયોકોનનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ અનિલ અગ્રવાલની કંપની ટ્વિન સ્ટાર ટેકનોલોજીસ વીડિયોકોન ગ્રૂપના લેણદારોને 3000 કરોડ રૂપિયા (લગભગ 41 કરોડ ડોલર)ની ચૂકવણી કરશે. કંપની 90 દિવસની અંદર 5 અબજ રૂપિયાની ચૂકવણી કરશે. લેણદારોએ ટ્વિન સ્ટાર ટેકનોલોજી દ્વારા વીડિયોકોન ગ્રૂપ માટે રજૂ કરેલ રિઝોલ્યુશન પ્લાન અંગે ગત ડિસેમ્બરમાં જ નાદારીની કોર્ટ પાસે મંજૂરી માંગી હતી. કોર્ટ વીડિયોકોનના ઇન્સોલ્વન્સી કેસમાં આજે ચૂકાદો આપ્યો છે. વર્ષ 2017માં રિઝર્વ બેન્ક તરફથી જે 12 કંપનીઓ વિરુદ્ધ નાદારીનો કેસ દાખલ કરવાનો આદેશ કરાયો હતો તેમાં વીડિયોકોન ગ્રૂપ શામેલ હતી.