મુંબઇઃ બેન્ક ઓફ બરોડાએ યુ જીઆરઓ કેપિટલની સાથે મળીને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને સસ્તા દરે ધિરાણ આપવા માટે એક યોજના શરૂ કરી છે. આ યોજનાને પ્રથમ નામ આપ્યુ છે. આ યોજનાને ભારતીય રિઝર્વ બેન્કના સંશોધિત કો-લેન્ડિંગ ગાઇડલાઇન્સ હેઠળ લોન્ચ કરાઇ છે. તેને બેન્ક ઓફ બરોડાના 114માં સ્થાપના દિવસે શરૂ કરાઇ છે.
U GRO Capital એ બીએસઇ ખાતે લિસ્ટેડ એક નાની એનબીએફસી છે. પ્રથમ 1000 કરોડ રૂપિયાનોં કો-લેન્ડિંગ પ્રોગ્રામ છે. તે હેઠળ MSME પ્રતિસ્પર્ધી વ્યાજદરે ધિરાણ મેળવી શકે છે. લોનની રકમ 50 લાખ રૂપિયાથી લઇને 2.5 કરોડ રૂપિયા સુધી રહેશે. આ લોનનો આરંભિક વ્યાજદર 8 ટકા છે. લોન ચૂકવણીની મહત્તમ મુદ્દત 120 મહિના છે.
U GRO Capitalના એમડી સચિંદ્ર નાથે કહ્યુ કે, બેન્ક ઓફ બરોડાએ જે રીતે અમારી પ્રત્યે વિશ્વાસ દેખાડ્યો છે, તેનાથી MSMEની લોનની જરૂરીયાત પૂરી કરવામાં અમારી વિશેષતા અને ટેકનોલોજીની જાણ થાય છે. અમે દેશના અંતરિયાળ વિસ્તારોમાં MSMEની મદદ માટે આ જોડાણને મજબૂત કરીશું.
પ્રથમ (Pratham) હેઠળ લોન મેળવવા માટે MSME ને બહુ ઓછા દસ્તાવેજોની જરૂર પડે છે. યુ જીઆરઓ કેપિટલના જીઆરઓ-એક્સ્ટ્રીમ પ્લેટફોર્મ પર લોનની અરજીને 60 મિનિટની અંદર મંજૂરી મળી જાય છે. આ પ્રોગ્રામ હેઠળ MSMEની કેટેગરીમાં હાલમાં શામેલ હોલસેલ અને રિટેલ વેપારીઓને પણ લોન મળી શકે છે. દેશના 9 શહેરોમાં ચેનલ ટચ પોઇન્ટ મારફતે લોન મેળવી શકાય છે. આ શહેરોમાં દિલ્હી, જયપુર, અમદાવાદ, પૂના, મુંબઇ, બેંગ્લોર, ચેન્નઇ, હૈદરાબાદ અને કલકત્તા શામેલ છે.