કહેવાય છે કે ગુજરાત કેડરના અધિકારીઓ નિવૃત્તિ પછી ગુજરાતને તેમનું ઘર બનાવી દેતા હોય છે. રાજ્ય સરકારની નોકરીમાંથી નિવૃત્ત થયેલા 350થી વધુ આઇએએસ ઓફિસરોએ વતનને ભૂલીને તેમનું કાયમી ઘર ગાંધીનગર અને અમદાવાદને બનાવી દીધું છે.
ઓફિસરોનો આ ગુજરાત પ્રેમ છે પરંતુ ગુજરાતી પ્રેમ ઘણાં ઓછા અધિકારીઓને હોય છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ (RERA) નો અમલ શરૂ થયો ત્યારે ગુજરાતમાં ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી ડો. મંજૂલા સુબ્રમણ્યમ તેના પહેલા ચેરપર્સન હતા. તેઓ ગુજરાતી ભાષા ખૂબ સરસ રીતે બોલે છે.
હાલના રેરાના ચેરમેન તરીકે ડો. અમરજીત સિંઘ નિયુક્ત થયેલા છે. તેઓ ગુજરાત કેડરના પંજાબી આઇએએસ ઓફિસર છે. દિલ્હીમાં તેઓ ઘણો સમય મોદી સરકારમાં રહ્યાં છે. નિવૃત્તિ પછી ગયા જુલાઇ મહિનામાં તેમનું પોસ્ટીંગ ગુજરાતમાં –રેરા– ના ચેરમેન તરીકે થયું છે.
ડો. સિંઘ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે અને અત્યારે પણ ગુજરાતી ભાષાને ખૂબ પ્રેમ કરે છે. તેમને ગુજરાતી સાહિત્ય વાંચનનો ખૂબ શોખ છે. અંગ્રેજી, પંજાબીની સાથે તેઓ ગુજરાતી લિટરેચર પણ વાંચે છે. તેમને ગુજરાતી લેખકોના પુસ્તકો વાંચવા ખૂબ ગમે છે.
ગુજરાતી ન્યૂઝપેપરના એડિટોરિયલ તેમજ પૂર્તિના આર્ટિકલ્સના તેઓ શોખિન છે. ગાંધીનગરમાં સહકાર ભવનમાં રેરાની કચેરીમાં ચાર્જ લીધા પછી તેમણે ગુજરાતી લેખકોને શોધવાનું શરૂ કર્યું હતું. ગુજરાતી જનતા માટે ગૌરવની બાબત છે કે એક પંજાબી આઇએએસ ઓફિસર ગુજરાતી ભાષાને વાંચવાનો અદ્દભૂત શોખ ધરાવે છે. રેરાના ચેરમેનની કામગીરી વચ્ચે તેમણે અસંખ્ય ગુજરાતી પુસ્તકો વાંચ્યા છે.